વેન્કટ દત્તા સાઈ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ આૅલિમ્પિક મેડલિસ્ટ
કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે લગ્નસમારોહમાં હાજર રહી પી. વી. સિંધુ અને વેન્કટ દત્તા સાઈને આશીર્વાદ આપ્યા હતા.
બે વખતની ઑલિમ્પિક મેડલ વિજેતા પી. વી. સિંધુએ રાજસ્થાનના ઉદયપુરમાં વેન્કટ દત્તા સાઈ સાથે લગ્ન કરીને તેના જીવનમાં એક નવી સફર શરૂ કરી છે. સમારોહમાં મોટા ભાગે પરિવારના સભ્યો અને મિત્રો હાજર રહ્યા હતા. ૨૯ વર્ષની બૅડ્મિન્ટન પ્લેયરનાં લગ્નમાં કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે હાજરી આપી હતી. બાવીસ ડિસેમ્બરનાં લગ્નનો ફોટો તેમણે ગઈ કાલે શૅર કર્યો હતો. સિંધુનાં લગ્નનો આ એકમાત્ર ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
લગ્નની ઉજવણીઓ ૨૦ ડિસેમ્બરે સંગીત સમારોહથી થઈ અને ૨૧ ડિસેમ્બરે હલ્દી, મેંદી અને અન્ય પરંપરાગત વિધિઓ કરવામાં આવી હતી. આજે ૨૪ ડિસેમ્બરે હૈદરાબાદમાં આયોજિત લગ્નના રિસેપ્શન માટે સચિન તેન્ડુલકર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશની કેટલીક ટોચની હસ્તીઓ હાજરી આપી શકે છે.