રાજ્યના અમિત રોહિદાસને ૪ કરોડ રૂપિયાનો, બાકીના હૉકી સ્ટાર્સને ૧૫ લાખ રૂપિયાનો અને સપોર્ટ સ્ટાફને ૧૦ લાખ રૂપિયાનો ચેક આપ્યો : શ્રીજેશને ઓડિશા સરકાર તરફથી ૫૦ લાખ રૂપિયા મળ્યા અને કેરલા સરકારે બે કરોડ આપવાની જાહેરાત કરી
ઓડિશાના મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝી સાથે પૅરિસ ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર ભારતીય હૉકી ટીમ
ગઈ કાલે ભુવનેશ્વરમાં ઓડિશા સરકારે ભારતીય હૉકી ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કરીને દરેક ખેલાડીનું સન્માન કર્યું હતું. ઍરપોર્ટથી લઈને સ્ટેડિયમ સુધી ઑલિમ્પિક મૅડલિસ્ટ ટીમને શાનદાર સ્વાગત મળ્યું હતું. ભારતીય ટીમના કૅપ્ટન હરમનપ્રીત સિંહે હૉકી ઇન્ડિયાના ઑફિશ્યલ સ્પૉન્સર ઓડિશા સરકારનો ખેલાડીઓ માટે વિવિધ સુવિધા અને પ્રૅક્ટિસ માટે મેદાન આપવા માટે આભાર માન્યો હતો.
રાજ્યના મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝીએ સન્માન સમારોહમાં તમામ ખેલાડીઓને ૧૫-૧૫ લાખ રૂપિયાની પ્રાઇઝ મનીનો ચેક આપ્યો હતો. રાજ્યના ખેલાડી અમિત રોહિદાસને ચાર કરોડનો અને સપોર્ટ સ્ટાફને ૧૦-૧૦ લાખ રૂપિયાનો ચેક મળ્યો હતો. પૅરિસ ઑલિમ્પિક્સમાં હૉકી સ્ટાર્સે બ્રૉન્ઝ મેડલ જીત્યો એ પહેલાં ઓડિશા સરકારે ૨૦૩૬ સુધી ભારતીય હૉકીને સ્પૉન્સર કરવાની જાહેરાત કરી દીધી હતી.
ADVERTISEMENT
આ બધા વચ્ચે ૫૦ લાખ રૂપિયા મેળવનાર ભૂતપૂર્વ હૉકી ગોલકીપર પી.આર. શ્રીજેશ માટે કેરલા રાજ્યની સરકારે બે કરોડ રૂપિયાની પ્રાઇઝ મનીની જાહેરાત કરી હતી. શ્રીજેશ જુનિયર હૉકી ટીમને કોચિંગ આપતાં પહેલાં ૨-૩ મહિના માટે માનસિક રીતે તૈયાર થવા પર ધ્યાન આપી રહ્યો છે.