મુંબઈની ૧૪ વર્ષની ઇરા જાધવ WPL આૅક્શનમાં અનસોલ્ડ રહી હતી
ઇરા જાધવ
ગઈ કાલે મુંબઈ અને મેઘાલય વચ્ચે વિમેન્સ અન્ડર-19 વન-ડે કપમાં રોમાંચક મૅચ રમાઈ હતી. મુંબઈએ ૫૦ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ૫૬૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં મેઘાલય ૨૫.૪ ઓવરમાં માત્ર ૧૯ રન જ બનાવી શક્યું. મુંબઈએ ૫૪૪ રનથી વિશાળ જીત મેળવી હતી. ૫૬૪ રનનો સ્કોર ભારતની વિમેન્સ ડોમેસ્ટિક ક્રિકેટનો હાઇએસ્ટ ટીમ-સ્કોર બન્યો છે.
આ મૅચમાં મુંબઈની ૧૪ વર્ષની ઓપનર ઇરા જાધવે ૧૫૭ બૉલમાં ૩૪૬ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ઑક્શનમાં અનસોલ્ડ રહેલી આ ક્રિકેટર BCCI દ્વારા આયોજિત લિમિટેડ ઓવરની ટુર્નામેન્ટમાં ત્રિપલ સેન્ચુરી ફટકારનાર પ્રથમ ભારતીય (પુરુષ/મહિલા) પ્લેયર બની છે. તે અન્ડર-19 વિમેન્સ વન-ડે ક્રિકેટમાં અને વિમેન્સ લિમિટેડ ઓવર્સના ક્રિકેટમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર પણ પહેલી ભારતીય બની છે. અન્ડર-19 વિમેન્સ ક્રિકેટમાં હાઇએસ્ટ સ્કોર મામલે તે ભારતીય વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાના ૨૨૪ રનના સ્કોરને પાછળ છોડી બીજા ક્રમે પહોંચી છે. સાઉથ આફ્રિકાની લિઝેલ લીએ ૨૦૧૦માં ૪૨૭ રનનો સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો હતો.