ટાયરના પંચરે યુઝવેન્દ્ર ચહલનું નસીબ બદલ્યું?
ફાઈલ ફોટો
યુઝવેન્દ્ર ચહલની ગણતરી ભારતીય ક્રિકેટ ટીમમાં મુખ્ય સ્પીન બોલર તરીકે કરવામાં આવે છે. ચહલે અનેકવાર એ સાબિત પણ કર્યું છે. પોતાની શાનદાર ગુગલીની ફિરકીમાં ભલભલા બેટ્સમેનોને ઘુમાવી દેતા ચહલની ટીમ ઈન્ડિયા સુધીની સરફ ખુબ જ કપરી રહી છે. કપિલ શર્માના શોમાં આ મામલે ખુલાસો થયો હતો.
દેશ માટે 54 વન-ડે અને 45 ટી20 મેચ રમી ચૂકેલા ચહલની ક્રિકેટમાં શરૂઆત સરળ રહી નહોતી. તેને પ્રેક્ટિસ માટે તેને ઘરથી ઘણા દૂર જવું પડતું હતું. માટે તેનો મોટા ભાગનો સમય તો મુસાફરીમાં જ પસાર થઈ જતો હતો. પોતાના દિકરાની આ પરેશાની જોઈ યુઝવેન્દ્રના પિતા કે કે ચહલે તેના માટે ખેતરમાં જ એક પિચ બનાવી આપી હતી.
ADVERTISEMENT
હાલમાં કપિલ શર્માના શોમાં આવેલા યુઝવેન્દ્રના પિતા કે કે ચહલ તેમના પુત્રના ક્રિકેટ માટેના સંઘર્ષના કેટલાક કિસ્સા જણાવ્યા હતા. કપિલે પૂછ્યું હતું કે શું તમને પણ ક્રિકેટનો શોખ હતો? તમે ક્યારેય રમતા હતા? જવાબમાં આપતા કે કે ચહલે કહ્યું હતું કે, દરેક માતા-પિતા તેના સંતાનને મદદ કરતા જ હોય છે. હું કોલેજમાં હતો ત્યારે ક્રિકેટ રમતો હતો. હુ દસ વર્ષનો હતો ત્યારે અમારે ત્યાં પટૌડી ટ્રોફી ટુર્નામેન્ટ રમાતી હતી જે ઓપન ટુર્નામેન્ટ હતી. જેમાં દરેક વયના ખેલાડી ભાગ લઈ શકતા હતા.
ચહલના પિતાએ ઉમેર્યું હતું કે, પટૌડી ટ્રોફીમાં જિંદ અને સિરસા જિલ્લા વચ્ચે મેચ રમાતી હતી. અમે વહેલી સવારે જવા નીકળ્યા હતા. ચાર પાંચ ખેલાડી વચ્ચે એક ગાડી હતી. તેવામાં અમારી ગાડીમાં પંચર પડી ગયું. બીજી ગાડીમાં અન્ય ખેલાડીઓ હતા. સવારમાં કોઈ પંચર બનાવનારું હતું નહીં. ઉતાવળમાં અમે ચહલને જ રમવાની તક આપી દીધી. આ મેચમાં તેણે પાંચ ઓવરમાં 4 વિકેટ ઝડપી. એ દિવસે મને અહેસાસ થઈ ગયો કે તે કંઇક કરી શકે તેમ છે. આમ એક પંચરે યુઝવેન્દ્ર ચહલને આંતરરાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટમાં એન્ટ્રી અપાવી દીધી હતી.

