ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન ટ્રૅવિસ હેડે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને દુનિયાનો સૌથી શ્રેષ્ઠ બોલર ગણાવ્યો છે. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘જસપ્રીત કદાચ આ રમતના શ્રેષ્ઠ ફાસ્ટ બોલર્સમાંનો એક તરીકે ઓળખાશે
જસપ્રીત બુમરાહ
ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન ટ્રૅવિસ હેડે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને દુનિયાનો સૌથી શ્રેષ્ઠ બોલર ગણાવ્યો છે. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘જસપ્રીત કદાચ આ રમતના શ્રેષ્ઠ ફાસ્ટ બોલર્સમાંનો એક તરીકે ઓળખાશે. જ્યારે હું ભવિષ્યમાં મારી કરીઅર તરફ નજર કરીશ ત્યારે હું ગર્વથી મારાં પૌત્ર-પૌત્રીઓને કહીશ કે મેં તેનો સામનો કર્યો હતો. આશા છે કે મને ભવિષ્યમાં પણ તેની સામે રમવાની તક મળશે, પરંતુ તેનો સામનો કરવો પડકારજનક છે.’
પર્થ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયા તરફથી ટ્રૅવિસ હેડે પહેલી ઇનિંગ્સના ૧૧ અને બીજી ઇનિંગ્સના ૮૯ રન સાથે સૌથી વધુ ૧૦૦ રન ફટકાર્યા હતા. ૩૦ વર્ષના આ સ્ટાર બૅટરે ઑસ્ટ્રેલિયન ટીમમાં બૅટિંગ અને બોલિંગ યુનિટ વચ્ચે કોઈ પણ મતભેદ હોવાની વાત નકારી કાઢી હતી.
ADVERTISEMENT
બુમરાહ સામે એક પણ સિક્સર ફટકારી નથી શક્યો હેડ
તોફાની બૅટિંગ માટે જાણીતો ટ્રૅવિસ હેડ ક્યારેય જસપ્રીત બુમરાહ સામે સિક્સર ફટકારી શક્યો નથી. ટેસ્ટ ફૉર્મેટમાં તેણે બુમરાહ સામે ૧૫૯ બૉલમાં પાંચ ચોગ્ગાની મદદથી ૬૭ રન કર્યા છે અને ત્રણ વાર આઉટ થયો છે. વન-ડે ફૉર્મેટમાં તેણે બુમરાહ સામે ૨૯ બૉલમાં ૭ ચોગ્ગા ફટકારીને ૩૯ રન બનાવ્યા છે અને એક વાર આઉટ થયો છે. T20 ઇન્ટરનૅશનલમાં તે બુમરાહ સામે ૧૭ બૉલમાં પાંચ ચોગ્ગાની મદદથી પચીસ રન બનાવી એક વાર આઉટ થયો છે. T20 લીગ ટુર્નામેન્ટમાં આ ભારતીય ફાસ્ટ બોલર સામે તેણે ૧૪ બૉલમાં બે ચોગ્ગાની મદદથી ૧૯ રન બનાવ્યા છે, પણ ક્યારેય આઉટ નથી થયો.
કૅપ્ટન્સી માટે જસપ્રીત બુમરાહને એક સક્ષમ વિકલ્પ માને છે પુજારા
ભારતીય બૅટ્સમૅન ચેતેશ્વર પુજારાનું માનવું છે કે કૅપ્ટન રોહિત શર્માના પદ છોડ્યા બાદ ભારતીય ટીમે જસપ્રીત બુમરાહને લાંબા ગાળાના વિકલ્પ તરીકે જોવો જોઈએ. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘એમાં કોઈ શંકા નથી કે જસપ્રીત બુમરાહ કૅપ્ટન્સી માટે એક સક્ષમ વિકલ્પ છે. જ્યારે ભારતીય ટીમ ઘરઆંગણે કારમી સિરીઝ-હાર સહન કર્યા પછી ઑસ્ટ્રેલિયામાં પહેલી ટેસ્ટ-મૅચ રમી રહી હતી ત્યારે તેણે મુશ્કેલ સંજોગોમાં તેની નેતૃત્વકુશળતાનું ઉજ્જ્વળ ઉદાહરણ દર્શાવ્યું હતું. હું માનું છું કે તેની પાસે ટીમનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે અને તે ટીમમૅન છે. મેદાનની બહાર પણ તે નમ્ર છે, આ એક સારા કૅપ્ટનની નિશાની છે.’