T20 બૅટ્સમેનોના લિસ્ટમાં શુભમન ગિલની ૩૬ સ્થાનની છલાંગ; સ્ટુઅર્ટ બ્રૉડને આજે મળશે મોટું સન્માન; ઇંગ્લૅન્ડની ટીમ સાથે પાછો આવી ગયો જેમ્સ ઍન્ડરસન અને વધુ સમાચાર
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આવતી કાલથી શ્રીલંકામાં યોજાનારી એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવા માટે હાલમાં દામ્બુલા પહોંચી હતી. શ્રીલંકા ક્રિકેટે સોશ્યલ મીડિયા પર ભારતીય ટીમના આગમનની તસવીરો શૅર કરી હતી. ભારતને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે અને એની પ્રથમ મૅચ ૧૯ જુલાઈએ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. ઑક્ટોબરમાં બંગલાદેશમાં યોજાનારા વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ ટુર્નામેન્ટ મહત્ત્વપૂર્ણ છે.
મમ્મી સાથેનું પેઇન્ટિંગ શૅર કરીને રવીન્દ્ર જાડેજા થયો ઇમોશનલ
ADVERTISEMENT
T20 ઇન્ટરનૅશનલમાંથી રિટાયરમેન્ટ લેનાર રવીન્દ્ર જાડેજાએ વર્ષ ૨૦૦૫માં એક ઍક્સિડન્ટમાં તેનાં મમ્મી લતા જાડેજાને કાયમ માટે ગુમાવી દીધાં હતાં. એ સમયે રવીન્દ્ર ૧૭ વર્ષનો હતો અને ભારતની અન્ડર-19 ટીમનો ભાગ હતો. T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ જાડેજાએ મમ્મીને યાદ કરીને એક પેઇન્ટિંગનો ફોટો શૅર કરીને ઇમોશનલ પોસ્ટ શૅર કરી છે જેમાં તેણે કૅપ્શનમાં લખ્યું છે કે ‘આજે હું મેદાન પર જે પણ કરી રહ્યો છું એ તમને મારી શ્રદ્ધાંજલિ છે મા’.
વૃંદાવન ધામ પહોંચ્યા ધ્રુવ જુરેલ અને રિન્કુ સિંહ
ઝિમ્બાબ્વેની ધરતી પર ૪-૧થી T20 સિરીઝ જીતી ચૂકેલી ભારતીય યંગ બ્રિગેડ સ્વદેશ પરત ફરી છે. યંગ ક્રિકેટર્સ ધ્રુવ જુરેલ અને રિન્કુ સિંહ હાલમાં મથુરાના વૃંદાવન ધામમાં શ્રી શ્રી બાંકે બિહારીનાં દર્શન માટે પહોંચ્યા હતા. મંદિરમાં શીશ ઝુકાવનાર બન્ને ક્રિકેટર્સના વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા હતા.
યુવીએ જેની સામે મારી હતી ૬ સિક્સર તે સ્ટુઅર્ટ બ્રૉડને આજે મળશે મોટું સન્માન
૨૦૦૭ના T20 વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે ઇંગ્લૅન્ડના બોલર સ્ટુઅર્ટ બ્રૉડ સામે એક ઓવરમાં ૬ સિક્સર ફટકારી હતી. ૬૦૪ ટેસ્ટ વિકેટ લેનાર સ્ટુઅર્ટ બ્રૉડને આજે ઇંગ્લૅન્ડ-વેસ્ટ ઇન્ડીઝની બીજી ટેસ્ટ મૅચની શરૂઆતમાં મોટું સન્માન મળશે. નૉટિંગહૅમશરના ટ્રેન્ટ બ્રિજ સ્ટેડિયમના પૅવિલિયન એન્ડનું નામ સ્ટુઅર્ટ બ્રૉડ એન્ડ રાખવામાં આવશે. ૨૦૨૩માં રિટાયરમેન્ટ લેનાર સ્ટુઅર્ટ બ્રૉડ અને તેના પિતા ક્રિસ બ્રૉડ આ ટેસ્ટમૅચમાં હાજર રહેશે. નૉટિંગહૅમશરમાં જ સ્ટુઅર્ટ બ્રૉડનો જન્મ થયો હતો. પહેલી ટેસ્ટ જીતીને ઇંગ્લૅન્ડે ત્રણ મૅચની સિરીઝમાં લીડ મેળવી છે. આજથી શરૂ થતી બીજી ટેસ્ટ જીતીને વેસ્ટ ઇન્ડીઝની ટીમ સિરીઝમાં વાપસી કરવાની ઇચ્છા રાખશે.
રિટાયરમેન્ટના પાંચ દિવસ બાદ ઇંગ્લૅન્ડની ટીમ સાથે પાછો આવી ગયો જેમ્સ ઍન્ડરસન
ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ ઝડપી બોલર જેમ્સ ઍન્ડરસન વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સિરીઝની બાકીની બે મૅચ માટે બોલિંગ મેન્ટર તરીકે ઇંગ્લૅન્ડની ટીમ સાથે જોડાયો છે. જોકે તેની ભૂમિકા ભવિષ્યમાં ટીમ સાથે રહેશે કે નહીં એ વિશે બોર્ડ પછીથી નિર્ણય લેશે. રિટાયરમેન્ટના પાંચ દિવસ બાદ તે ટીમ સાથે ફરી જોડાયો છે. જ્યારે તે ઇંગ્લૅન્ડ માટે પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન નવી ભૂમિકામાં આવ્યો ત્યારે ટીમના ખેલાડીઓ અને કોચિંગ સાથીઓએ તાળીઓના ગડગડાટ સાથે તેનું સ્વાગત કર્યું હતું.
T20 બૅટ્સમેનોના લિસ્ટમાં શુભમન ગિલની ૩૬ સ્થાનની છલાંગ
સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં ઝિમ્બાબ્વે પ્રવાસ પર ભારતીય ટીમનું નેતૃત્વ કરનાર શુભમન ગિલ પાંચ ઇનિંગ્સમાં ૧૭૦ રન સાથે સિરીઝનો ટૉપ-સ્કોરર રહ્યો હતો. T20 બૅટ્સમેનોના લિસ્ટમાં તે ૩૬ સ્થાનની છલાંગ લગાવીને ૩૭મા સ્થાને પહોંચ્યો છે. સિરીઝમાં ૧૪૧ રન બનાવનાર યશસ્વી જાયસવાલને ચાર સ્થાનનો ફાયદો થયો છે અને તે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે.
ઓપનિંગ સેરેમની પહેલાં મોન્ગોલિયાની ટીમનો ડ્રેસ બની ગયો આકર્ષણનું કેન્દ્ર
૨૬ જુલાઈએ પૅરિસ ઑલિમ્પિક્સની ઓપનિંગ સેરેમનીમાં ૨૦૬ દેશના ખેલાડીઓ ભાગ લેશે. ભારત સહિત તમામ દેશના લોકોએ ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમની માટે સ્પેશ્યલ ડ્રેસ તૈયાર કર્યા છે, જેમાંથી મોન્ગોલિયાના ડ્રેસે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. મોન્ગોલિયાનો આ પારંપરિક ડ્રેસ જોઈને કેટલાક લોકોએ કહ્યું હતું કે મોન્ગોલિયાએ તો પહેલાંથી જ ઑલિમ્પિક્સ જીતી લીધી છે.
આઇફલ ટાવરના ટૉપ પર પહોંચી આૅલિમ્પિક્સની મશાલ
૨૬ જુલાઈથી પૅરિસમાં શરૂ થનારી ઑલિમ્પિક ગેમ્સ માટે ફ્રાન્સમાં ભારે ઉત્સાહનો માહોલ છે. હાલમાં પૅરિસના ઐતિહાસિક આઇફલ ટાવરની ટોચ પર ઑલિમ્પિક્સની મશાલ પહોંચી હતી. ઑલિમ્પિક્સ ટૉર્ચ રિલેના ભાગરૂપે આઇફલ ટાવરના ટૉપ ફ્લોર પર એટલે કે લગભગ ૧૦૮૩ ફુટની ઊંચાઈ પર પૅરિસ 2024 ઑલિમ્પિક્સ અને પૅરાલિમ્પિક્સ ઑર્ગેનાઇઝિંગ કમિટીના પ્રેસિડન્ટ અને ફ્રેન્ચ જુડો પ્લેયર મશાલ સાથે જોવાં મળ્યાં હતાં.

