એક ઓવરમાં ૬ સિક્સરનો યુવરાજ સિંહનો રેકૉર્ડ તૂટ્યો
ડૅરિયસ વિસેર
સમોઆ નામના દેશમાં ગઈ કાલે ક્રિકેટના મેદાન પર એવી ઘટના બની જેણે દિગ્ગજોના રેકૉર્ડ તોડી નાખ્યા. T20 વર્લ્ડ કપ સબ-રીજનલ ઈસ્ટ એશિયા-પૅસિફિક ક્વૉલિફાયરમાં સમોઆના મિડલ ઑર્ડર બૅટર ડૅરિયસ વિસેરે એક ઓવરમાં ૬ સિક્સર ફટકારીને સૌથી વધુ ૩૯ રનનો T20 રેકૉર્ડ બનાવ્યો છે. આ ઓવરમાં વૅનુઅતુ નામના દેશના ૨૮ વર્ષના બોલર નલિન નિપિકોએ ત્રણ નોબૉલ ફેંક્યા હતા જેના કારણે T20 ઇન્ટરનૅશનલમાં એક ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો નવો રેકૉર્ડ બન્યો હતો.
૨૮ વર્ષના ડૅરિયસે પોતાની ત્રીજી T20 ઇન્ટરનૅશનલ મૅચમાં ૬૨ બૉલમાં પાંચ ચોગ્ગા અને ૧૪ સિક્સરની મદદથી ૧૩૨ રન બનાવ્યા હતા જેથી તે આ દેશ માટે સેન્ચુરી ફટકારનાર પહેલો બૅટર પણ બની ગયો હતો. એક ઓવરમાં ૬ સિક્સર ફટકારીને તેણે યુવરાજ સિંહ (૨૦૦૭), કાયરન પોલાર્ડ (૨૦૨૧), નિકોલસ પૂરન (૨૦૨૪), દીપેન્દ્ર સિંહ એરી (૨૦૨૪) અને રોહિત શર્મા-રિન્કુ સિંહ (૨૦૨૪)ની બરાબરી કરી હતી.
ADVERTISEMENT
એક ઓવરમાં ૩૯ રન આપનાર નલિન નિપિકોએ T20 ઇન્ટરનૅશનલ બોલરના શરમજનક લિસ્ટમાં ટૉપ કર્યું હતું. આ પહેલાં સ્ટુઅર્ટ બ્રૉડ (૨૦૦૭), અકિલા ધનંજય (૨૦૨૧), કરીમ જન્નત (૨૦૨૪), કામરાન ખાન (૨૦૨૪) અને અઝમતુલ્લા ઓમરઝાઈ (૨૦૨૪)એ એક T20 ઓવરમાં ૩૬ રન આપ્યા હતા. સમોઆના ૧૭૫ રનના ટાર્ગેટ સામે વૅનુઅતુની ટીમ ૯ વિકેટના નુકસાન સાથે ૧૬૪ રન બનાવી શકી અને ૧૦ રનથી મૅચ હારી ગઈ હતી.
ન્યુ ઝીલૅન્ડના બોલરે ૧૭ નોબૉલ ફેંકીને આપ્યા હતા ૭૭ રન
પ્રોફેશનલ ક્રિકેટમાં એક ઓવરમાં સૌથી વધુ ૭૭ રન બનાવવાનો રેકૉર્ડ છે. ન્યુ ઝીલૅન્ડના વેલિંગ્ટનના બર્ટ વાન્સે ૧૯૯૦માં ફર્સ્ટ-ક્લાસ મૅચમાં કૅન્ટરબરી સામે બાવીસ બૉલની ઓવર ફેંકીને ૭૭ રન આપ્યા હતા જેમાં તેણે ૧૭ નોબૉલ ફેંક્યા હતા.


