૨૦૦ રિટાયર્ડ ખેલાડીઓ માટે આજે યોજાશે ઑક્શન
પ્રતીકાત્મક તસવીર
લેજન્ડ્સ લીગ ક્રિકેટની ત્રીજી સીઝન માટે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ૨૦ સપ્ટેમ્બરથી ૧૬ ઑક્ટોબર વચ્ચે રમાનારી આ ટુર્નામેન્ટમાં છ ટીમ વચ્ચે પચીસ મૅચ રમાશે. ફ્રેન્ચાઇઝી આધારિત ટુર્નામેન્ટમાં ૨૦૦ રિટાયર્ડ ખેલાડીઓ માટે આજે દિલ્હીમાં ઑક્શન યોજાશે. સુરત, જોધપુર, શ્રીનગર અને જમ્મુમાં આ ટુર્નામેન્ટની મૅચો રમાશે.
શિખર ધવન અને દિનેશ કાર્તિક સહિત ઘણા દિગ્ગજ ખેલાડીઓવાળી આ ટુર્નામેન્ટની ઓપનિંગ મૅચ જોધપુરમાં અને ફાઇનલ મૅચ શ્રીનગરમાં રમાશે. સુરેશ રૈના, ઍરૉન ફિન્ચ, માર્ટિન ગપ્ટિલ અને ભારતના વર્તમાન કોચ ગૌતમ ગંભીર જેવા દિગ્ગજો આ ટુર્નામેન્ટમાં રમી ચૂક્યા છે.
ADVERTISEMENT
લાગલગાટ ૨૩ સીઝનમાં ફ્રી-કિકથી ગોલ કરનાર પહેલો ફુટબૉલર બન્યો રોનાલ્ડો
અલ-નાસર ટીમના સ્ટાર ફુટબૉલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સાઉદી પ્રો લીગમાં અલ-ફેહા સામે તેની કરીઅરનો ૮૯૯મો ગોલ કર્યો. તે ૯૦૦ ગોલના માઇલસ્ટોનથી માત્ર એક ગોલ દૂર છે. આ ફ્રી-કિક ગોલ સાથે તેણે સતત ૨૩ સીઝનમાં ફ્રી-કિકથી ગોલ ફટકાર્યો છે. આવું કરનારા ફુટબૉલના ઇતિહાસનો પ્રથમ ખેલાડી બનીને તેણે વધુ એક રેકૉર્ડ બનાવ્યો છે. અલ-નાસર ફુટબૉલ ટીમે આ મૅચમાં ૪-૧થી જીત મેળવી હતી.
યુએસ ઓપનમાં સૌથી લાંબી મૅચનો ૩૨ વર્ષ જૂનો રેકૉર્ડ તૂટ્યો
આ વર્ષની છેલ્લી ગ્રૅન્ડ સ્લૅમ યુએસ ઓપનમાં સૌથી લાંબી મૅચનો રેકૉર્ડ બન્યો છે. બ્રિટિશ પ્લેયર ડૅન ઇવાન્સ અને રશિયન પ્લેયર કરેન ખાચાનોવ વચ્ચે પ્રથમ રાઉન્ડની મૅચ પાંચ કલાક ૩૫ મિનિટ સુધી ચાલી હતી જે ૧૯૭૦માં ટાઇબ્રેકર શરૂ થયા બાદ આ ટુર્નામેન્ટની સૌથી લાંબી મૅચ છે. અગાઉ ૧૯૯૨માં આ ટુર્નામેન્ટમાં પાંચ કલાક ૨૬ મિનિટનો રેકૉર્ડ બન્યો હતો.


