૨૦૧૮માં જહાને અદાલતમાં શમી પાસે ભરણપોષણના મહિને ૧૦ લાખ રૂપિયા આપવાની માગણી કરી હતી
News In Short
પત્ની હસીન જહાન અને મોહમ્મદ શમી
અદાલતનો મોહમ્મદ શમીને આદેશ : પત્નીને દર મહિને ૧.૩૦ લાખ રૂપિયા આપજો
કલકત્તાની એક અદાલતે પેસ બોલર મોહમ્મદ શમીને આદેશ આપ્યો છે કે તેણે તેનાથી અલગ રહેતી પત્ની હસીન જહાનને દર મહિને ભરણપોષણના ૧.૩૦ લાખ રૂપિયા આપવા પડશે. બન્નેની પુત્રી જહાન સાથે જ રહે છે. ૨૦૧૮માં જહાને અદાલતમાં શમી પાસે ભરણપોષણના મહિને ૧૦ લાખ રૂપિયા આપવાની માગણી કરી હતી, કારણ કે એ સમયના શમીના ઇન્કમ ટૅક્સ રિટર્ન મુજબ શમીને વાર્ષિક ૭ કરોડ રૂપિયાની આવક થતી હતી. જોકે શમીના વકીલે અદાલતમાં દલીલ કરી કે ખુદ જહાન પ્રોફેશનલ ફૅશન મૉડલ છે અને નિયમિત કમાણી કરે છે એટલે ભરણપોષણની મહિનાની ૧૦ લાખ રૂપિયાની રકમ વધુપડતી કહેવાય. છેવટે ગઈ કાલે કોર્ટે ૧.૩૦ લાખ રૂપિયા નક્કી કર્યા હતા.
ADVERTISEMENT
વિમેન્સ આઇપીએલ ટીમોની હરાજીમાં બીસીસીઆઇને મળશે ૪૦૦૦ કરોડ રૂપિયા
આગામી માર્ચમાં પહેલી વાર રમાનારી વિમેન્સ આઇપીએલ માટેના પાંચ ફ્રૅન્ચાઇઝીઓના ઑક્શનમાં બીસીસીઆઇને ઓછામાં ઓછા કુલ ૪૦૦૦ કરોડ રૂપિયા મળશે. મોટા ભાગનાં બિડ ૫૦૦ કરોડ રૂપિયાની આસપાસ અને અમુક બિડ ૮૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચવાની ધારણા છે. બિડ માટેના અરજીપત્રની કિંમત પાંચ લાખ રૂપિયા છે અને ૩૦ કંપનીઓએ બિડની ઍપ્લિકેશનનાં ફૉર્મ ખરીદ્યાં છે. આ કંપનીઓમાં મુંબઈ, ચેન્નઈ સહિતની મેન્સ આઇપીએલની તમામ ૧૦ ટીમના માલિકોનો સમાવેશ છે.
એશિયા કપના મુદ્દે ચોથી ફેબ્રુઆરીએ એસીસીની મીટિંગ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના મતે સપ્ટેમ્બરમાં પાકિસ્તાનમાં યોજાનારા મેન્સ એશિયા કપની બાબતમાં ચર્ચા માટે ચોથી ફેબ્રુઆરીએ બાહરિનમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ની મીટિંગ યોજાશે. એસીસીના ચીફ જય શાહે થોડા સમય પહેલાં કહ્યું હતું કે ભારત પોતાની ટીમને એશિયા કપમાં રમવા પાકિસ્તાન નહીં મોકલે અને કદાચ આ ટુર્નામેન્ટ ૨૦૧૮ની સાલની જેમ પાકિસ્તાનને બદલે બીજા કોઈ દેશમાં રાખવામાં આવશે.