લખનઉની ટીમ મુંબઈ સામે અને આ સ્ટેડિયમમાં હૅટ-ટ્રિક જીતના ટાર્ગેટ સાથે ઊતરશે
પ્રૅક્ટિસ સેશન દરમ્યાન લખનઉનો મેન્ટર ઝહીર ખાન સ્પિનર રવિ બિશ્નોઈ સાથે ગ્રાઉન્ડ પર બેસીને ચર્ચા કરતો જોવા મળ્યો હતો.
IPL 2025ની ૧૬મી મૅચ આજે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચે રમાશે. ૧૮મી સીઝનની શરૂઆતમાં જ ત્રણમાંથી બે મૅચ હારનારી બન્ને ટીમ જીત મેળવીને ટુર્નામેન્ટમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની આશા રાખશે. મુંબઈની ટીમે પોતાની પહેલી હોમ ગ્રાઉન્ડ મૅચ દરમ્યાન વાનખેડેમાં કોલકાતા નાઇટ રાઇડર્સને માત આપી હતી, જ્યારે લખનઉની ટીમને પોતાની પહેલી જ હોમ ગ્રાઉન્ડ મૅચમાં પંજાબ કિંગ્સ સામે હાર મળી હતી.
પ્રૅક્ટિસ વખતે મુંબઈ ઇન્ડિયન્સનો કૅપ્ટન હાર્દિક પંડ્યા લખનઉ સુપર જાયન્ટ્સના કૅપ્ટન રિષભ પંત સાથે ખૂબ જ ધમાલ-મસ્તી કરતો જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
બન્ને ટીમ વચ્ચે લખનઉના એકાના સ્ટેડિયમમાં ૨૦૨૩ અને ૨૦૨૪માં એક-એક મૅચ રમાઈ હતી. આ બન્ને મૅચમાં મુંબઈને હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈની ટીમ આ મેદાન પર પહેલી જીત મેળવવા અને લખનઉ સામે રેકૉર્ડ સુધારવા આતુર રહેશે. જ્યારે લખનઉની ટીમે છેલ્લી બે ટક્કરમાં પણ મુંબઈને માત આપી છે, તેઓ મુંબઈ સામે અને આ મેદાન પર પણ આ હરીફ ટીમ સામે હૅટ-ટ્રિક જીતના ટાર્ગેટ સાથે ઊતરશે.
આ ટક્કરમાં સૌની નજર મુંબઈના ભૂતપૂર્વ કૅપ્ટન રોહિત શર્મા અને લખનઉના વર્તમાન કૅપ્ટન રિષભ પંતના પ્રદર્શન પર રહેશે. બન્નેનું ખરાબ ફૉર્મ તેમની ફ્રૅન્ચાઇઝી માટે ચિંતાનો વિષય બન્યો છે. હમણાં સુધીની ત્રણેય મૅચમાં રોહિતે ૨૧ રન અને પંતે ૧૭ રન બનાવ્યા છે.
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૦૬ |
LSGની જીત |
૦૫ |
MIની જીત |
૦૧ |
અયોધ્યાના રામમંદિરનાં દર્શન કરવા પહોંચ્યા મુંબઈ ઇન્ડિયન્સના પ્લેયર્સ
આજની લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મૅચ માટે ઉત્તર પ્રદેશ પહોંચેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમના ચાર પ્લેયર્સ વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને અયોધ્યાના વિશ્વપ્રખ્યાત રામમંદિરનાં દર્શન કરવા પહોંચ્યા હતા. ભારતીય ટીમના T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને ફાસ્ટ બોલર દીપક ચાહર પોતાની પત્ની સાથે જોવા મળ્યા હતા. યંગ બૅટર તિલક વર્મા અને સ્પિનર કર્ણ શર્માને પણ ભગવાન રામનાં નજીકથી દર્શન કરવાની તક મળી હતી.
ત્રણ મહિના બાદ IPLમાં વાપસી માટે તૈયાર છે આકાશ દીપ
૨૮ વર્ષના ભારતીય મીડિયમ ફાસ્ટ બોલર આકાશ દીપે લખનઉ સુપર જાયન્ટ્સના કૅમ્પમાં એન્ટ્રી કરી છે. ડિસેમ્બર ૨૦૨૪માં ઑસ્ટ્રેલિયા-ટૂર પર પીઠની ઇન્જરીને કારણે આકાશ દીપ ક્રિકેટના મેદાનથી ત્રણ મહિના સુધી દૂર હતો. પહેલી ત્રણ મૅચ ગુમાવ્યા બાદ આકાશ દીપ હવે લખનઉ માટે મેદાન પર ઊતરવા માટે ફિટ થયો છે. ૮ કરોડ રૂપિયાની કિંમત ધરાવતો આકાશ દીપ આ પહેલાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ માટે ત્રણ સીઝનમાં આઠ જ મૅચ રમ્યો છે અને છેલ્લી બે સીઝનમાં તો માત્ર ત્રણ મૅચ રમ્યો છે. IPLમાં માત્ર સાત મૅચ ધરાવતો આકાશ દીપ પોતાનો રેકૉર્ડ સુધારવા માટે આતુર રહેશે.

