ટાર્ગેટ મળ્યા બાદ ગણતરીપૂર્વકની બૅટિંગ કરવી વધુ સરળ : સ્મૃતિ મંધાના
સ્મૃતિ મંધાના
ભારત-સાઉથ આફ્રિકા મહિલા ટીમની પાંચ વન-ડે મૅચની સિરીઝ ૧-૧ની બરાબરીએ પહોંચ્યા બાદ સિરીઝમાં પોતાની જગ્યા વધારે મજબૂત કરવાના લક્ષ્યથી બન્ને મહિલા ટીમ આજે મેદાનમાં ઊતરવાની છે. પહેલી વન-ડેમાં સાઉથ આફ્રિકા સામે આઠ વિકેટે પરાજિત થયા બાદ ભારત બીજી વન-ડેમાં શાનદાર કમબૅક કરીને ૯ વિકેટે મૅચ જીત્યું હતું. ઓપનર સ્મૃતિ મંધાના બીજી મૅચમાં અણનમ ૮૦ રનની ઇનિંગ્સ રમી હતી. આજે રમાનારી ત્રીજી વન-ડેની પૂર્વસંધ્યાએ સ્મૃતિ મંધાનાએ કહ્યું હતું કે બીજી ઇનિંગ્સમાં બૅટિંગ કરવાથી દરેક વાતની ગણતરી સારી કરી શકાય છે.
સ્મૃતિએ કહ્યું કે ‘જ્યારે પણ હું મેદાનમાં બૅટિંગ કરવા જાઉં છું ત્યારે મારું એકમાત્ર લક્ષ્ય ભારતને મૅચ જિતાડવાનું જ હોય છે અને હું એ લક્ષ્ય રાખીને જ મારી તૈયારી કરતી હોંઉ છું. જ્યારે વિરોધી ટીમ પહેલાં સ્કોરબોર્ડ પર રન બનાવી લે એ પછી બીજી ઇનિંગ્સમાં અમારા માટે દરેક પ્રકારની ગણતરી કરીને આગળ વધવું સરળ બની રહે છે. એવું નથી કે મને પહેલાં કે પછી બૅટિંગ કરવાનું ગમે છે, પણ હું કોઈ પણ પરિસ્થિતિમાં બૅટિંગ કરી શકું છું. મારો વિચાર પહેલાં કે પછી બૅટિંગ કરવા બાબતે નથી, ભારતને મૅચ જિતાડવા માટે હોય છે.’


