રાહુલના સ્થાને અને ભરત પછીના બીજા વિકેટકીપર તરીકે જૂનના મુકાબલાની ટીમમાં : સહા પર ચર્ચા જ ન થઈ
વાનખેડેમાં ગઈ કાલે બૅન્ગલોર સામેની આજની મૅચ માટેના પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન મુંબઈ ઇન્ડિયન્સનો ઓપનર ઈશાન કિશન. તે સાથીઓ સાથે થોડું ફુટબૉલ રમ્યો હતો. તસવીર આશિષ રાજે
વર્ષો પહેલાં જેમ વિકેટકીપર-બૅટર અજય રાત્રા ઈજા પામતાં પાર્થિવ પટેલને કરીઅર શરૂ કરવા મળી હતી એમ હવે એવો મોકો વિકેટકીપર-બૅટર કે. એલ. રાહુલના સ્થાને ઈશાન કિશનને મળી રહ્યો છે. કિશન ભારત વતી ૧૪ વન-ડે અને ૨૭ ટી૨૦ રમી ચૂક્યો છે, પણ ટેસ્ટમાં હજી તેણે રમવાની શરૂઆત નથી કરી. કિશને આ ૪૧ ઇન્ટરનૅશનલ મૅચમાં કુલ ૧૧૬૩ રન બનાવ્યા છે અને ૨૧ શિકાર કર્યા છે.
૭ જૂને લંડનના ઓવલમાં ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટના વર્લ્ડ કપની જે ફાઇનલ રમાવાની છે એ માટેની ટીમમાં ઈજાગ્રસ્ત રાહુલની જગ્યાએ કિશનને સમાવવામાં આવ્યો છે. તે કે. એસ. ભરત પછીના બીજા વિકેટકીપર-બૅટર તરીકે સિલેક્ટ કરાયો છે. ૩૯ વર્ષનો વૃદ્ધિમાન સહા કે જે આઇપીઅેલની વર્તમાન સીઝનમાં સારું પર્ફોર્મ કરી રહ્યો છે તેના પર મીટિંગમાં ચર્ચા જ નહોતી થઈ.
રાહુલ જમણી સાથળમાં સર્જરી કરાવવાનો છે. લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને ડાબા ખભામાં ઈજા છે, પરંતુ તેના વિશેનો નિર્ણય થોડા દિવસ પછી લેવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : રહાણે વિશે બીસીસીઆઈએ ધોની પાસે સલાહ માગી હતી
ભારતની ટેસ્ટ ટીમ : રોહિત શર્મા (કૅપ્ટન), કે. એસ. ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને જયદેવ ઉનડકટ.
સ્ટૅન્ડ-બાય પ્લેયર્સ : ઋતુરાજ ગાયકવાડ, મુકેશ કુમાર અને સૂર્યકુમાર યાદવ.