છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમણે યંગ પ્લેયર્સ પર ઘણું ઇન્વેસ્ટ કર્યું છે, એમાંથી તેમને શું મળ્યું? તેમને IPL ટ્રોફી જીત્યાને ૧૭ વર્ષ થઈ ગયાં
અંબાતી રાયુડુ
રાજસ્થાન રૉયલ્સની ટીમ IPL 2025માં ભારે સંઘર્ષનો સામનો કરી રહી છે. હમણાં સુધી આઠમાંથી માત્ર બે મૅચ જીતી શકી છે. હાલમાં ૧૪ વર્ષના યંગેસ્ટ પ્લેયર વૈભવ સૂર્યવંશીને રમવાની તક આપવા માટે ભારે પ્રશંસા મળી રહી છે, પણ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કૉમેન્ટેટર અંબાતી રાયુડુએ આ બાબતે મોટો કટાક્ષ કર્યો છે.
એક ઇન્ટરવ્યુમાં રાયુડુ કહે છે, ‘છેલ્લાં કેટલાંક વર્ષોમાં રાજસ્થાન રૉયલ્સે યંગ પ્લેયર્સ પર ઘણું ઇન્વેસ્ટ કર્યું છે. એમાંથી તેમને શું મળ્યું છે? તેમને IPL ટ્રોફી જીત્યાને ૧૭ વર્ષ થઈ ગયાં છે અને તેઓ હંમેશાં એને એવી રીતે બતાવે છે કે જાણે એ તેમની તાકાત છે. એવું લાગે છે કે તેઓ રમતને કોઈ મોટું દાન આપી રહ્યા છે, પરંતુ એવું નથી. તમે અહીં સ્પર્ધા કરવા માટે છો. તમે અહીં IPL જીતવા માટે છો. અન્ય ટીમોએ સ્પર્ધા જીતવા માટે ઘણી સફળ પદ્ધતિઓ અપનાવી છે છતાં તેઓ એમાંથી કોઈને અનુસરતા નથી અને પછી તેઓ ઇચ્છે છે કે લોકો તેમની એક સારી ટીમ તરીકે પ્રશંસા કરે, કારણ કે તેઓ વિશ્વભરના યુવાનોને એક પ્લૅટફૉર્મ આપે છે.’


