બૅન્ગલોરની ફ્રૅન્ચાઇઝી જ હંમેશાં પોતાના ખેલાડીઓના દંડ ભરતું આવ્યું છે : ગંભીર અને નવીન-ઉલ-હકનો દંડ લખનઉનું ફ્રૅન્ચાઇઝી ભરશે
વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર
સોમવારે લખનઉમાં રમાયેલી આઇપીએલની મૅચમાં રૉયલ ચૅલેન્જર્સ (આરસીબી)ની જીત બાદ ટીમનો આક્રમક ખેલાડી વિરાટ કોહલી અને લખનઉ સુપર જાયન્ટ્સના મેન્ટર ગૌતમ ગંભીર વચ્ચે જે અભૂતપૂર્વ તકરાર થઈ એની ચર્ચા અને એમાં કોહલી-ગંભીર તેમ જ લખનઉના અફઘાનિસ્તાની બોલર નવીન-ઉલ-હકને થયેલા દંડ વિશેની ચર્ચા હજી શમી નથી ત્યાં એક જાણીતી વેબસાઇટના અહેવાલમાં ગઈ કાલે એવું જણાવાયું હતું કે કોહલીને ૧૦૦ ટકા મૅચ-ફીનો જે દંડ થયો છે એ ખુદ કોહલી નહીં, પણ તેની ટીમના માલિક ભરશે.
આરસીબી સહિત કેટલાક ફ્રૅન્ચાઇઝીઓની વર્ષોથી નીતિ રહી છે કે જો તેમના કોઈ ખેલાડીને દંડ કરવામાં આવે તો એ દંડની રકમ ખેલાડીની સૅલરી (કૉન્ટ્રૅક્ટ મુજબની ફી)માંથી નથી કપાતો, પણ ખુદ ફ્રૅન્ચાઇઝી ભરે છે.
ADVERTISEMENT
બૅન્ગલોરની ટીમનું ફ્રૅન્ચાઇઝી કોહલીને એક સીઝનના ૧૫ કરોડ રૂપિયા આપે છે. જો કોહલી સીઝનમાં ૧૪ લીગ મૅચ અને (બૅન્ગલોરની ટીમ પ્લે-ઑફ તથા ફાઇનલમાં પહોંચે તો) બીજી બે-ત્રણ મૅચ ગણીને કુલ ૧૭ મૅચ રમે એટલે તેને સીઝનના સરેરાશ ૮૦ લાખથી એક કરોડ રૂપિયા મળે. કોહલીને આઇપીએલના સંચાલકો દ્વારા એક મૅચનો એટલે કે ૮૦ લાખથી એક કરોડ રૂપિયાનો જે દંડ થયો છે એ આરસીબીના માલિકો ભરશે.
ઓવર-રેટનો દંડ કૅપ્ટન પોતે ભરે છે
કેટલીક ટીમ પોતાના ખેલાડીઓને દંડ ભરવાનું કહે છે, જેમાં ખાસ કરીને જો કૅપ્ટનને સ્લો ઓવર-રેટ બદલ જે દંડ કરવામાં આવે (નિર્ધારિત સમયમાં ૨૦ ઓવર પૂરી ન કરાવવા બદલ દંડ થાય તો) એ ખુદ કૅપ્ટને પોતાની સૅલેરીમાંથી આપવાનો રહે છે.
ગંભીરની સૅલેરી સીક્રેટ છે
ગૌતમ ગંભીર લખનઉની ટીમનો મેન્ટર છે. આવા હોદ્દા માટેની નિયુક્તિ ઑક્શન કે રિટેન્શન પ્રાઇસના આધારે નહીં, પણ વ્યક્તિગત રીતે થતી હોય છે એટલે મેન્ટરને કોઈ ફ્રૅન્ચાઇઝીએ કેટલા રૂપિયામાં નક્કી કર્યા એ વાત માત્ર એ મેન્ટર અને ફ્રૅન્ચાઇઝીના માલિકો જ જાણતા હોય છે. કહેવાય છે કે ગંભીરનો ૧૦૦ ટકા મૅચ-ફીનો દંડ અને નવીન-ઉલ-હકનો ૫૦ ટકા મૅચ-ફીનો દંડ પણ તેની ટીમના માલિકો (લખનઉ સુપર જાયન્ટ્સના ઓનર્સ) ભરશે.
ગુજરાતી મૅચ-રેફરીના રિપોર્ટ પરથી કોહલી અને ગંભીરને થયો છે દંડ
સૌરાષ્ટ્ર વતી રણજી ટ્રોફી રમી ચૂકેલા મૂળ ભાવનગરના પ્રકાશ જિતેન્દ્રભાઈ ભટ્ટ સોમવારે લખનઉમાં મૅચ-રેફરી હતા. તેમણે સોમવારે લખનઉમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર સામેની લખનઉ સુપર જાયન્ટ્સની મૅચ પછી મેદાન પર જેકાંઈ બન્યું એ વિશે તેમ જ મૅચ દરમ્યાન જે ઘટના બની હતી એ બાબતે અમ્પાયર્સ સાથે ચર્ચા કરીને આઇપીએલના સંચાલકોને રિપોર્ટ આપ્યો હતો. મૅચ-રેફરી અને અમ્પાયર્સે વિરાટ કોહલી તથા ગૌતમ ગંભીરને ૧૦૦-૧૦૦ ટકા અને લખનઉના બોલર નવીન-ઉલ-હકને ૫૦ ટકા મૅચ-ફીનો દંડ કરવામાં આવે એવો નિર્ણય લીધો હતા અને સંચાલકોએ તેમના નિર્ણય મુજબ દંડ કર્યો હતો. મૅચ-રેફરી અને અમ્પાયર્સના મતે કોહલી-ગંભીરે આઇપીએલની આચારસંહિતાની કલમ ૨.૨૧ના લેવલ-ટૂ મુજબ આઇપીએલનું નામ ખરડાય એવું અસભ્ય વર્તન કર્યું હતું.

