વિજેતા કૅપ્ટન હાર્દિકે કહ્યું, ‘અમે બન્ને ભાઈઓ વચ્ચે ખૂબ પ્રેમ છે, આશા રાખું તે સારું પર્ફોર્મ કરતો રહે’ : હાર્દિકના મતે રાશિદે પકડેલો કૅચ ગેમ ચેન્જર
IPL 2023
ગઈ કાલે ટૉસ વખતે હાર્દિક અને મોટો ભાઈ કૃણાલ. તસવીર iplt20.com
અમદાવાદમાં ગઈ કાલે પૉઇન્ટ્સ-ટેબલની નંબર-વન ટીમ ગુજરાત ટાઇટન્સે ત્રીજા ક્રમની
લખનઉ સુપર જાયન્ટ્સને ૫૬ રનના તોતિંગ માર્જિનથી હરાવી ત્યાર બાદ બન્ને ટીમના કૅપ્ટન અને સગા ભાઈ હાર્દિક પંડ્યા તથા કૃણાલ પંડ્યાએ જે મંતવ્યો આપ્યાં એમાં એકમેક પ્રત્યેના પ્રેમની ઝલક જોવા મળી હતી. વિજેતા ટીમ ગુજરાત ટાઇટન્સના સુકાની અને પંડ્યાબ્રધર્સમાં નાના ભાઈ હાર્દિકે કહ્યું, ‘અમે માત્ર એક દિવસના ગેપ બાદ ધમધોખતા તડકામાં અહીં ફરી રમ્યા અને જીત્યા એનાથી વિશેષ બીજું શું જોઈએ! હું તો કહું છું કે રાશિદ ખાને (૯મી ઓવરમાં કાઇલ માયર્સનો) જે કૅચ પકડ્યો ત્યાં જ ગેમમાં ટર્ન આવી ગયો હતો. એ કૅચ પછી અમે મૅચ પર પકડ જમાવવાનું શરૂ કર્યું હતું. બન્ને ટીમ કહો કે કલાકે ૧૦૦ કિલોમીટરની ઝડપે આગળ વધી રહી હતી, પણ રાશિદે પકડેલા કૅચથી બધું બદલાઈ ગયું. (મજાકમાં) કૃણાલે મારો કૅચ પકડ્યો એ બદલ તે ખુશ થયો હશે, પણ મૅચ જો વધુ રસાકસીભરી થઈ હોત અને તેને જીતવાનો સારો મોકો મળ્યો હોત તો હું ખુશ થયો હોત. અમે બન્ને ભાઈઓને એકમેક પ્રત્યે અનહદ પ્રેમ છે. આશા રાખું આગળ જતાં તે સારું પર્ફોર્મ કરે.’
ADVERTISEMENT
મોટા ભાઈ કૃણાલ પંડ્યાએ મૅચ પછી કહ્યું, ‘અમે ગુજરાતને ૨૦૦-૨૧૦ સુધી મર્યાદિત રાખ્યા હોત તો અમને જીતવાની તક મળી હોત. પોતાની ટીમની કૅપ્ટન્સી સંભાળવાની હોય અને એમાં હાર્દિકનો સામનો કરવો એવું સપનું તો ન હોય, પણ અમારી ફૅમિલીએ આમાં આનંદ માણ્યો છે. અમારાં મમ્મી તો કહેતાં હતાં કે બેમાંથી જે કોઈ જીતે, બે પૉઇન્ટ તો ઘરમાં જ આવશેને! મારા અને હાર્દિક વચ્ચે ગાઢ પ્રેમ છે. અમે એકબીજાની ટાંગ ખેંચીએ, પણ એ બધું માત્ર બે મિનિટ સુધી જ હોય.’
કાઇલ માયર્સનો કૅચ પકડતો રાશિદ ખાન. એ. એફ. પી.
અણનમ ૯૪ રન બદલ ગિલ મૅન ઑફ ધ મૅચ
ગુજરાતે બૅટિંગ મળ્યા પછી સાહા (૮૧ રન, ૪૩ બૉલ, ચાર સિક્સર, દસ ફોર) અને ગિલ (૯૪ અણનમ, ૫૧ બૉલ, સાત સિક્સર, બે ફોર) વચ્ચેની ૧૪૨ રનની પાર્ટનરશિપની મદદથી ૨૦ ઓવરમાં બે વિકેટે ૨૨૭ રન બનાવ્યા હતા. ગિલ છ રન માટે ટી૨૦ ક્રિકેટમાં ત્રીજી સદી ચૂકી ગયો હતો. ખુદ હાર્દિક (પચીસ રન, ૧૫ બૉલ, બે સિક્સર, એક ફોર) અને મિલર (૨૧ અણનમ, ૧૨ બૉલ, એક સિક્સર, બે ફોર)ના પણ ૨૨૭ રનમાં મહત્ત્વના યોગદાન હતા. હાર્દિકનો કૅચ કૃણાલે મોહસિન ખાનના બૉલમાં પકડ્યો હતો. લખનઉના આઠ બોલર્સમાંથી મોહસિન ખાન અને અવેશને એક-એક વિકેટ મળી હતી. લખનઉએ ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૭૧ રન બનાવ્યા હતા, જેમાં ડિકૉક (૭૦ રન, ૪૧ બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર)નો સૌથી મોટો ફાળો હતો. માયર્સ ૪૮ રન અને બદોનીએ ૨૧ રન બનાવ્યા હતા. ગુજરાતના મોહિતે ચાર, શમી, રાશિદ, નૂર અહમદે એક-એક વિકેટ લીધી હતી. જીતનો પાયો નાખનાર ગિલને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.