IPL 2025ની બીજી મૅચમાં હૈદરાબાદના ૨૮૭ રનના ટાર્ગેટ સામે ૨૪૨ રન બનાવી રાજસ્થાન ૪૪ રને હાર્યું : હૈદરાબાદે એક ઇનિંગ્સમાં ૩૪ ચોગ્ગા અને ૧૨ છગ્ગા સાથે સૌથી વધુ ૪૬ બાઉન્ડરી ફટકારવાનો રેકૉર્ડ કર્યો, સંયુક્ત રીતે હાઇએસ્ટ ૮૧ બાઉન્ડરીવાળી મૅચ રહી
ઈશાન કિશને સેન્ચુરી ફટકારીને IPLમાં શાનદાર કમબૅક કર્યું.
રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં રમાયેલી IPL 2025ની બીજી મૅચમાં ગયા વર્ષની રનર-અપ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદે (SRH) ૪૪ રને રાજસ્થાન રૉયલ્સ (RR)ને હરાવી પોતાના અભિયાનનો પ્રચંડ પ્રારંભ કર્યો છે. ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરેલી હૈદરાબાદની ટીમે ઈશાન કિશનની ૪૫ બૉલમાં સેન્ચુરીની મદદથી ૬ વિકેટે ૨૮૬ રનનો સ્કોર કર્યો હતો. ૨૮૭ રનના ટાર્ગેટ સામે રાજસ્થાને ૬ વિકેટ ગુમાવીને પોતાનો ૨૪૨ રનનો હાઇએસ્ટ સ્કોર કર્યો છતાં સળંગ ચોથી વાર આ હરીફ ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ૫૧ ચોગ્ગા અને ૩૦ છગ્ગા સાથે આ મૅચ સંયુક્ત રીતે ૮૧ બાઉન્ડરીવાળી મૅચ રહી હતી.
હૈદરાબાદના ઓપનર્સની ૪૫ રનની ભાગીદારી બાદ ઈશાન કિશન (૪૭ બૉલમાં ૧૦૬ રન અણનમ) ત્રણ ૫૦ પ્લસ રનની પાર્ટનરશિપ કરી IPLનો બીજો હાઇએસ્ટ સ્કોર કરવામાં હૈદરાબાદની ટીમને મદદ કરી હતી. તેણે ટ્રૅવિસ હેડ (૩૧ બૉલમાં ૬૭ રન) સાથે બીજી વિકેટ માટે ૮૫ રન, નીતીશ કુમાર રેડ્ડી (૧૫ બૉલમાં ૩૦ રન) સાથે ત્રીજી વિકેટ માટે ૭૨ રન અને હેન્રિક ક્લાસેન (૧૪ બૉલમાં ૩૪ રન) સાથે ચોથી વિકેટ માટે ૫૬ રનની પાર્ટનરશિપ કરી હતી. ૩૪ ચોગ્ગા અને ૧૨ છગ્ગા સાથે હૈદરાબાદે એક IPL ઇનિંગ્સમાં હાઇએસ્ટ ૪૬ બાઉન્ડરીનો રેકૉર્ડ પણ કર્યો હતો. રૉયલ્સ માટે મહેશ થીક્ષણા (બાવન રનમાં બે વિકેટ )અને તુષાર દેશપાંડે (૪૪ રનમાં ત્રણ વિકેટ) સૌથી સફળ રહ્યા હતા.
ADVERTISEMENT
૨૮૭ રનના વિશાળ ટાર્ગેટ સામે ઇમ્પૅક્ટ પ્લેયર સંજુ સૅમસન (૩૭ બૉલમાં ૬૬ રન) અને ધ્રુવ જુરેલે (૩૫ બૉલમાં ૭૦ રન) ચોથી વિકેટ માટે ૧૧૧ રનની પાર્ટનરશિપ કરી જીતની આશા જીવંત રાખી હતી. હેટમાયરે (૨૩ બૉલમાં ૪૨ રન) પણ હૈદરાબાદને પડકાર આપવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ હૈદરાબાદે તેમને ટાર્ગેટ સુધી પહોંચવા દીધા નહોતા. હૈદરાબાદ તરફથી સિમરજીત સિંહ અને હર્ષલ પટેલે બે-બે વિકેટ લીધી, જ્યારે મોહમ્મદ શમી અને ઍડમ ઝૅમ્પાએ એક-એક વિકેટ લીધી હતી.
23 વર્ષ 133 દિવસ
આટલી ઉંમરે રાજસ્થાન રૉયલ્સનો યંગેસ્ટ કૅપ્ટન બન્યો િરયાન પરાગ, IPLનો ચોથો યંગેસ્ટ કૅપ્ટન પણ બન્યો.
હૈદરાબાદ માટે ડેબ્યુ મૅચમાં સેન્ચુરી કરનાર પહેલો પ્લેયર બન્યો કિશન |
|
રન |
૧૦૬ |
બૉલ |
૪૭ |
ચોગ્ગા |
૧૧ |
છગ્ગા |
૦૬ |
સ્ટ્રાઇક-રેટ |
૨૨૫.૫૩ |
બે રનથી IPLનો હાઇએસ્ટ ૨૮૭ રનનો પોતાનો જ રેકૉર્ડ તોડતાં ચૂક્યું હૈદરાબાદ
૨૮૬ રન કરનાર હૈદરાબાદ બે રનથી પોતાનો અને ટુર્નામેન્ટનો હાઇએસ્ટ ૨૮૭ રનનો રેકૉર્ડ તોડતાં ચૂકી ગયું હતું. તેમણે ચોથી વાર ૨૫૦ પ્લસ રનનો ટાર્ગેટ કર્યો હતો. એ આ કમાલ કરનારી દુનિયાની પહેલી T20 ટીમ બની છે. IPLના ટૉપ-ફાઇવ હાઇએસ્ટ ટીમ-સ્કોરમાં હૈદરાબાદ આ ચારેય સ્કોર ધરાવે છે. ઇંગ્લૅન્ડની સરે ક્લબ અને ભારતીય ટીમ ૩-૩ વાર આ સિદ્ધિ મેળવી ચૂકી છે.
હૈદરાબાદને સપોર્ટ કરવા પહોંચી હતી ફ્રૅન્ચાઇઝીની માલકણ કાવ્યા મારન.
સૌથી મોંઘી IPL સ્પેલ ફેંકી જોફ્રા આર્ચરે
રાજસ્થાન રૉયલ્સના ૧૨.૫૦ કરોડ રૂપિયાના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે આ મૅચમાં એક પણ વિકેટ લીધા વગર ૭૬ રન આપી દીધા હતા. તેણે આ ટુર્નામેન્ટમાં ગુજરાત ટાઇટન્સ તરફથી મોહિત શર્માનો ૨૦૨૪નો સૌથી વધુ ૭૩ રન આપવાનો રેકૉર્ડ તોડ્યો હતો. તેણે સૌથી વધુ ૧૪ બાઉન્ડરી આપવાનો પણ રેકૉર્ડ પોતાને નામે કર્યો હતો.

