ભારતની ધરતી પર ક્યારેય વન-ડે સિરીઝ નથી જીતી શકી ન્યુ ઝીલૅન્ડની મહિલાઓ
ભારતીય વિમેન્સ ટીમ
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ભારત અને ન્યુ ઝીલૅન્ડની વિમેન્સ ટીમ વચ્ચે વન-ડે સિરીઝની ત્રીજી નિર્ણાયક મૅચ રમાશે. પહેલી વન-ડે ભારતે ૫૯ રને જીત્યા પછી બીજી વન-ડેમાં ન્યુ ઝીલૅન્ડે ૭૬ રને જીત મેળવીને સિરીઝ ૧-૧થી લેવલ કરી હતી. આજે નિર્ણાયક વન-ડે મૅચ જીતીને ન્યુ ઝીલૅન્ડ વિમેન્સ ટીમ ભારતની ધરતી પર ઇતિહાસ રચી શકે છે. આ વિમેન્સ ટીમ ભારતની ધરતી પર ક્યારેય વન-ડે સિરીઝ જીતી શકી નથી.
ભારતમાં ૧૯૮૪-’૮૫માં બન્ને ટીમ વચ્ચેની છ મૅચની સિરીઝ ૩-૩થી ડ્રૉ થઈ હતી, ૨૦૦૩-’૦૪માં પાંચ મૅચની સિરીઝ ભારતે ૪-૧થી જીતી હતી અને ૨૦૧૫માં ભારતે પાંચ મૅચની સિરીઝ ત્રણ-બેથી જીતી હતી. ન્યુ ઝીલૅન્ડની મેન્સ ટીમે જેમ ભારતની ધરતી પર પહેલી વાર ટેસ્ટ-સિરીઝ જીતી એમ વિમેન્સ ટીમ ભારતને ઘરઆંગણે પહેલી વાર વન-ડે સિરીઝમાં હરાવીને કમાલ કરી શકે છે. ન્યુ ઝીલૅન્ડને આ કમાલ કરતાં રોકવું હોય તો ભારતીય ટીમે બૅટિંગ સુધારવી પડશે. આ સિરીઝ જો ભારત હારી જાય તો કૅપ્ટન હરમનપ્રીત કૌરની કૅપ્ટનસી છીનવાઈ પણ શકે છે.