ત્રીજી વન-ડે છ વિકેટે જીતીને T20 વર્લ્ડ ચૅમ્પિયન ન્યુ ઝીલૅન્ડ સામે ૨-૧થી સિરીઝ જીતી ભારતીય મહિલા ટીમ
ન્યુ ઝીલૅન્ડ સામે ૨-૧થી વન-ડે સિરીઝ જીતીને સેલિબ્રેટ કરી રહેલી ભારતીય વિમેન્સ ટીમ.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈ કાલે નિર્ણાયક વન-ડે મૅચમાં છ વિકેટે જીત મેળવીને ભારતે T20 વર્લ્ડ ચૅમ્પિયન ન્યુ ઝીલૅન્ડ સામે ૨-૧થી સિરીઝ જીતી હતી. ન્યુ ઝીલૅન્ડે ૪૯.૫ ઓવરમાં ઑલઆઉટ થઈને ૨૩૨ રન ફટકાર્યા હતા. ભારતીય વિમેન્સ ટીમે આ ટાર્ગેટ ૪૪.૨ ઓવરમાં ચાર વિકેટે ૨૩૬ રન ફટકારીને ચેઝ કરી લીધો હતો. સ્મૃતિ માન્ધના પ્લેયર ઑફ ધ મૅચ અને દીપ્તિ શર્મા પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટનો અવૉર્ડ જીતી હતી.
વાઇસ કૅપ્ટન સ્મૃતિ માન્ધના (૧૦૦ રન) અને કૅપ્ટન હરમનપ્રીત કૌર (અણનમ ૫૯ રન)એ ત્રીજી વિકેટ માટે ૧૧૭ રનની પાર્ટનરશિપ કરીને ભારતીય ટીમને ટાર્ગેટની નજીક પહોંચાડ્યું હતું. પ્રથમ બે મૅચમાં સંઘર્ષ કરી રહેલી ભારતીય બૅટિંગને સ્મૃતિ માન્ધનાના ફૉર્મમાં પાછા ફરવાનો ફાયદો થયો હતો. તેણે યસ્તિકા ભાટિયા (૩૫ રન) સાથે બીજી વિકેટ માટે ૭૬ રનની પાર્ટનરશિપ કરીને મજબૂત પાયો નાખ્યો અને પછી હરમનપ્રીત સાથે વિજય પર મહોર મારી હતી.
ADVERTISEMENT
વન-ડે ક્રિકેટમાં આ સ્મૃતિ માન્ધનાની આઠમી સેન્ચુરી હતી. તે મિતાલી રાજ (સાત વન-ડે સેન્ચુરી)ને પછાડીને ભારત માટે સૌથી વધુ વન-ડે સેન્ચુરી ફટકારનારી ભારતીય મહિલા ક્રિકેટર બની હતી. બે ટેસ્ટ અને આઠ વન-ડે સેન્ચુરી સાથે સ્મૃતિ માન્ધના દસ ઇન્ટરનૅશનલ સેન્ચુરી ફટકારનાર પહેલી ભારતીય મહિલા ક્રિકેટર બની છે. ભૂતપૂર્વ કૅપ્ટન મિતાલી રાજના નામે આઠ અને વર્તમાન કૅપ્ટન હરમનપ્રીતના નામે સાત ઇન્ટરનૅશનલ સેન્ચુરી છે.
સ્મૃતિ માન્ધના
રન ૧૦૦
બૉલ ૧૨૨
ચોગ્ગા ૧૦
છગ્ગા ૦૦
સ્ટ્રાઇક-રેટ ૮૧.૯૭