વિમેન્સ વન-ડે ઇન્ટરનૅશનલમાં પહેલી વાર ભારતની વિમેન્સ ટીમે નવમી વિકેટ માટે ૫૦ પ્લસ રનની પાર્ટરનરશિપ કરી હતી.
ન્ય ઝીલૅન્ડની કૅપ્ટન અને પ્લેયર ઑફ ધ મૅચ સોફી ડિવાઇને ૭૯ રન ફટકાર્યા બાદ ૨૭ રન આપીને ૩ વિકેટ પણ લીધી હતી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈ કાલે ભારત-ન્યુ ઝીલૅન્ડની વિમેન્સ ટીમ વચ્ચે ત્રણ મૅચની વન-ડે સિરીઝની બીજી મૅચ રમાઈ હતી. ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર સામે ટૉસ જીતીને ન્યુ ઝીલૅન્ડે પહેલાં બૅટિંગ કરતાં ૯ વિકેટે ૨૬૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ ૪૭.૧ ઓવરમાં ૧૮૩ રને ઑલઆઉટ થઈ ગઈ હતી. ન્યુ ઝીલૅન્ડે ૭૬ રને જીત મેળવીને સિરીઝને ૧-૧થી લેવલ કરી હતી. હવે ૨૯ ઑક્ટોબરે બન્ને ટીમ વચ્ચે સિરીઝની નિર્ણાયક મૅચ રમાશે.
ન્યુ ઝીલૅન્ડની કૅપ્ટન સોફી ડિવાઇને ૭૯ રન ફટકાર્યા બાદ ૨૭ રન આપીને ૩ વિકેટ પણ લીધી હતી જેને લીધે તે પ્લેયર ઑફ ધ મૅચના અવૉર્ડની હકદાર બની હતી. રાધા યાદવ (૪૮ રન) અને મુંબઈની સાયમા ઠાકોર (૨૯ રન)એ છેલ્લે સુધી ભારતની જીતની આશા જીવંત રાખી હતી, પણ બન્નેએ ૧૦૨ બૉલમાં ૭૦ રનની પાર્ટનરશિપ કરીને અંતિમ ઓવર્સમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. વિમેન્સ વન-ડે ઇન્ટરનૅશનલમાં પહેલી વાર ભારતની વિમેન્સ ટીમે નવમી વિકેટ માટે ૫૦ પ્લસ રનની પાર્ટરનરશિપ કરી હતી.