વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૫ નવેમ્બરે મુખ્ય રામ મંદિરની ટોચ પર ધ્વજારોહણ કર્યું હતું.
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે જાહેરાત કરી છે કે રામ મંદિરની પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠ આ વર્ષે ૩૧ ડિસેમ્બરે ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવશે. રામ મંદિરનું ઉદ્ઘાટન ૨૦૨૪ની ૨૨ જાન્યુઆરીએ થયું હતું અને એ દિવસે દ્વાદશી હોવાથી એ દિવસને પ્રતિષ્ઠા દ્વાદશી તરીકે મનાવવામાં આવે છે.
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રામ મંદિર સંકુલની અંદર આવેલાં ૭ નાનાં મંદિરો (પેટામંદિરો)નાં શિખરો પર ધ્વજારોહણ હશે, કારણ કે હવે એમનું બાંધકામ પૂરું થઈ ગયું છે. સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ધ્વજારોહણ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે હાજર રહે એવી અપેક્ષા છે. આ બે અગ્રણી નેતાઓ સંયુક્ત રીતે સાતેય ઉપમંદિરોનાં શિખરો પર ધ્વજારોહણ કરશે. આ ૭ ઉપમંદિરોમાં શિવ, સૂર્ય, ગણપતિ, હનુમાન, ભગવતી, અન્નપૂર્ણા અને શેષાવતાર (લક્ષ્મણ)ને સમર્પિત મંદિરોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૫ નવેમ્બરે મુખ્ય રામ મંદિરની ટોચ પર ધ્વજારોહણ કર્યું હતું. એ સમયે આ ૭ ઉપમંદિરો પર પણ ધ્વજ ફરકાવવાની યોજના હતી, પરંતુ એમનું બાંધકામ અને સુશોભન હજી પૂરું થયું નહોતું એટલે આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો. હવે જ્યારે સાતેય ઉપમંદિરોનું કામ પૂરું થઈ ગયું છે ત્યારે ધ્વજારોહણનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રતિષ્ઠા દ્વાદશીની ઉજવણી ૩૧ ડિસેમ્બર પહેલાં શરૂ થશે. ધાર્મિક વિધિઓ અને સમારંભો ૨૭ ડિસેમ્બરથી શરૂ થશે, જેમાં ધ્વજની પૂજાનો સમાવેશ થાય છે. ધ્વજની ડિઝાઇન પણ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.


