BGT માટે સ્ક્વૉડમાં સામેલ પાંચ પ્લેયર્સમાંથી માત્ર ધ્રુવ જુરેલ અને પ્રસિદ્ધ કિષ્ના ઝળક્યા
પ્રતીકાત્મક તસવીર
ઑસ્ટ્રેલિયા A સામે પહેલી અનઑફિશ્યલ ટેસ્ટમાં ૭ વિકેટે હાર્યા બાદ ગઈ કાલે ઇન્ડિયા Aની ટીમે બીજી ટેસ્ટમાં પણ છ વિકેટે શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. પહેલા અને બીજા દાવમાં ઇન્ડિયા Aનો સ્કોર અનુક્રમે ૧૬૧ રન અને ૨૨૯ રન રહ્યો, જ્યારે ઑસ્ટ્રેલિયા Aનો સ્કોર અનુક્રમે ૨૨૩ અને ૧૬૯/૪ હતો.
ચાર દિવસની મૅચના ત્રીજા દિવસે ભારતીય ટીમે સવારે પાંચ વિકેટે ૭૩ રનથી પોતાનો દાવ આગળ ધપાવ્યો હતો. પહેલા દાવમાં ૮૦ રન ફટકારનાર ધ્રુવ જુરેલે બીજા દાવમાં ૧૨૨ બૉલમાં ૬૮ રનની ધૈર્યપૂર્ણ ઇનિંગ્સ રમી હતી જેમાં પાંચ ચોગ્ગા સામેલ હતા. જુરેલે આઉટ થતાં પહેલાં નીતીશ કુમાર રેડ્ડી (૩૮ રન) સાથે ૯૪ રનની મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ કરી હતી. પ્રસિદ્ધ ક્રિષ્ના (૨૯ રન) અને તનુષ કોટિયન (૪૪ રન)એ પણ સારી ઇનિંગ્સ રમીને ભારતને બીજી ઇનિંગ્સમાં ૨૨૯ રન સુધી પહોંચાડ્યું હતું અને યજમાન ટીમને ૧૬૮ રનનો ટાર્ગેટ આપ્યો જેને યજમાન ટીમે ૪૭.૫ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો.
ADVERTISEMENT
આ સિરીઝમાં ઇન્ડિયા A તરફથી દેવદત્ત પડિક્કલે (૧૫૧ રન) સૌથી વધારે રન અને ફાસ્ટ બોલર મુકેશ કુમારે (૧૧ વિકેટ) સૌથી વધારે વિકેટ ઝડપી હતી. બાવીસમી નવેમ્બરથી ઑસ્ટ્રેલિયાની સિનિયર ટીમ સામે આયોજિત બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT) માટે ભારતીય સ્ક્વૉડમાં સામેલ પાંચમાંથી માત્ર ધ્રુવ જુરેલ અને પ્રસિદ્ધ ક્રિષ્ના તેમના પ્રદર્શનથી પ્રભાવિત કરી શક્યા હતા. અભિમન્યુ ઈશ્વરન, કે. એલ. રાહુલ અને નીતીશ કુમાર રેડ્ડીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.