રોહિત શર્મા નહીં રમે તો હું મૅચ જ નથી જોવાનો : વીરેન્દર સેહવાગ
વીરેન્દર સેહવાગ
ઇંગ્લૅન્ડ સામેની પહેલી ટી૨૦માં ઓપનર રોહિત શર્માને ટીમની બહાર રાખી (આરામ આપીને) શિખર ધવનને ટીમમાં સામેલ કરતાં મોટા ભાગના ક્રિકેટપ્રેમીઓ નારાજ થયા હતા અને તેમણે કોહલીની ટીકા કરી હતી. રોહિત ટીમમાં સામેલ ન થતાં ભૂતપૂર્વ ઇન્ડિયન ટીમના ઓપનર વીરેન્દર સેહવાગે પણ નારાજગી દર્શાવી હતી અને તેણે સ્પષ્ટપણે કહ્યું હતું કે જો રોહિત નહીં રમે તો હું ટીવી પર મૅચ નહીં જોઉં.
રોહિતને આરામ આપવાના મુદ્દે એક મુલાકાતમાં પોતાની વાત કહેતાં સેહવાગે કહ્યું કે ‘વિરાટ કોહલીએ શરૂઆતમાં કહ્યું કે શરૂઆતની મૅચમાં રોહિત નહીં રમે. ટીમ હારશે તો પણ પોતાની રણનીતિ પર કાયમ રહેશે. એક મૅચ હારવાની ટીમ પર ઘણી મોટી અસર થાય છે. જો હું કૅપ્ટન હોત તો પોતાની બેસ્ટ ટીમ લઈને મેદાનમાં ઊતર્યો હોત. જો રોહિત શર્મા રમવા માટે ઉપલબ્ધ હોય તો તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવો જ જોઈએ. ક્રિકેટપ્રેમીઓ તેને રમતો જોવા માગે છે અને હું પણ તેનો ચાહક છું. માટે જો તે મૅચમાં નહીં રમે તો હું ટીવી પર મૅચ નહીં જોઉં.’


