ટેસ્ટનો કોચ જેસન ગિલેસ્પી લિમિટેડ ઓવર્સના ફૉર્મેટમાં પણ જવાબદારી સંભાળશે
ગૅરી કર્સ્ટન
ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ-સિરીઝ જીત્યા બાદ પાકિસ્તાન ક્રિકેટમાં ખુશીનો માહોલ હતો, પરતું ગઈ કાલે એક એવા સમાચાર સામે આવ્યા જેને કારણે પાકિસ્તાન-ક્રિકેટમાં ખલબલી મચી ગઈ હતી. ૨૦૧૧માં ભારતને વન-ડે વર્લ્ડ કપ જિતાડનાર વર્લ્ડ ચૅમ્પિયન હેડ કોચ ગૅરી કર્સ્ટને છ મહિનાની અંદર જ પાકિસ્તાની ટીમનો સાથ છોડી દીધો છે. આ વર્ષે ૨૮ એપ્રિલે તેમને પાકિસ્તાની T20 અને વન-ડે ટીમના હેડ કોચ બનાવવામાં આવ્યા હતા.
ગૅરી કર્સ્ટનના રાજીનામા બાદ ટેસ્ટ-ટીમના હેડ કોચ જેસન ગિલેસ્પીને લિમિટેડ ઓવર્સના ફૉર્મેટ માટે પણ હેડ કોચ બનાવવામાં આવ્યો છે, પરંતુ ગિલેસ્પીએ બોર્ડને જાણ કરી છે કે તે ઑસ્ટ્રેલિયા ટૂર બાદ ઝિમ્બાબ્વે ટૂર સુધી જ આ વધારાની જવાબદારી સંભાળશે, ત્યાર બાદ નવા કોચની નિમણૂક કરવી પડશે. પાકિસ્તાન બોર્ડે કર્સ્ટનના આ આકસ્મિક નિર્ણયનું કોઈ કારણ આપ્યું નથી, પરંતુ અહેવાલ અનુસાર સાઉથ આફ્રિકાના આ ભૂતપૂર્વ ક્રિકેટર લિમિટેડ ઓવર્સની ટીમ અને નવા કૅપ્ટનની નિમણૂકમાં તેનો અભિપ્રાય ન લેવાથી નારાજ હતા. ટીમની પસંદગી સાથે સંબંધિત તેના અધિકારો પાછા ખેંચી લેવાયા હતા, જે મતભેદોનું મુખ્ય કારણ માનવામાં આવે છે.