લુઇસની સેન્ચુરીથી વેસ્ટ ઇન્ડીઝ બીજી વન-ડે અને સિરીઝ જીત્યું
સેન્ચુરી ફટકારીને એવિન લુઇસે શાનદાર ફૉર્મનો પરચો આપ્યો હતો. તસવીર : પી.ટી.આઇ.
શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની બીજી વન-ડે વેસ્ટ ઇન્ડીઝે પાંચ વિકેટે જીતીને ત્રણ વન-ડે મૅચની સિરીઝની ટ્રોફી પર ૨-૦ની સરસાઈ સાથે કબજો કરી લીધો છે. આજે રમાનારી અંતિમ વન-ડે શ્રીલંકાએ વાઇટ-વૉશથી બચવા જીતવી જ પડશે.
વેસ્ટ ઇન્ડીઝે ટૉસ જીતીને પહેલાં બોલિંગનો નિર્ણય લીધો હતો, પણ પહેલાં બૅટિંગ કરતાં શ્રીલંકાએ દાનુષ્કા ગુણાથીલકાના ૯૬ બૉલમાં ૧૦ ચોગ્ગા અને ત્રણ સિક્સર ફટકારી ૯૬ રન અને મિડલ ઑર્ડર બૅટ્સમૅન-વિકેટકીપર દિનેશ ચંદીમલના ૭૧ રનને લીધે ૮ વિકેટે ૨૭૩ રન બનાવ્યા હતા. આમ તો શ્રીલંકાની શરૂઆત ઘણી નબળી રહી હતી અને એણે ૫૦ રનમાં કૅપ્ટન દિમુથ કરુણારત્ને (૧), પથ્થુમ નિસ્સાન્કા (૧૦) અને ઓશાડા ફર્નાન્ડો (૨)ની વિકેટ ગુમાવી દીધી હતી. ગુણાથીલકા અને ચંદીમલે ચોથી વિકેટ માટે ૧૦૦ રનની ભાગીદારી કરી હતી. આ બન્ને પ્લેયર્સને બાદ કરતાં વનિન્દુ હસરંગાએ ૩૧ બૉલમાં બે ચોગ્ગા અને ચાર સિક્સર ફટકારીને ૪૭ રન કર્યા હતા, જ્યારે અન્ય કોઈ ખેલાડી ૨૦ રનનો આંકડો પાર નહોતો કરી શક્યો. વિન્ડીઝના જેસન મોહમ્મદે સૌથી વધારે ત્રણ વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
શ્રીલંકાએ આપેલા ૨૭૪ રનના લક્ષ્યને પ્રાપ્ત કરવા ઊતરેલી વેસ્ટ ઇન્ડીઝે દમદાર શરૂઆત કરતાં પહેલી વિકેટ માટે ૧૯૨ રનની પાર્ટનરશિપ કરી હતી. એવિન લુઇસે ૧૨૧ બૉલમાં આઠ ચોગ્ગા અને ચાર સિક્સર ફટકારીને ૧૦૩ રન કર્યા હતા, જ્યારે શાઇ હોપ ૧૦૮ બૉલમાં ૬ ચોગ્ગા ફટકારીને ૮૪ રને આઉટ થયો હતો. આ બન્ને ખેલાડીઓ ૩૮ અને ૩૯મી ઓવરમાં આઉટ થતાં માત્ર નિકોલસ પૂરને છેલ્લે સુધી ક્રીઝ પર રહીને નૉટઆઉટ ૩૫ રન કર્યા હતા. ડ્વેઇન બ્રાવો (૧૦), કિરોન પોલાર્ડ (૧૫) અને ફેબિયન એલન (૧૫) રને આઉટ થયા હતા. નુવાન પ્રદીપ અને થિસારા પરેરાને બે-બે વિકેટ મળી હતી. એવિન લુઇસને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.


