કારમી હાર બાદ ભારતીય પ્લેયર્સને સલાહ આપી હેડ કોચ ગૌતમ ગંભીરે
ગૌતમ ગંભીર
હેડ કોચ ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ભારતીય ટીમે સતત બીજી ટેસ્ટ-સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો છે. ગંભીરના નેતૃત્વમાં ભારતે આ સીઝનમાં ૧૦માંથી ૬ ટેસ્ટ ગુમાવી છે. આ સિવાય ટીમને શ્રીલંકામાં વન-ડે સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ કોઈ પણ પ્લેયર્સનું નામ લીધા વગર ગંભીરે તમામને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની સલાહ આપી હતી. પ્રેસ-કૉન્ફરન્સમાં ગંભીરે કેટલાંક મહત્ત્વનાં નિવેદન આપ્યાં હતાં.
હવે પાંચ મહિના પછી આપણે ક્યાં હોઈશું એ વિશે વાત કરવાનો સમય નથી. રમતમાં ઘણો ફેરફાર આવે છે. સ્વરૂપ બદલાય છે, લોકો બદલાય છે, વલણ બદલાય છે, બધું બદલાય છે. આપણે જાણીએ છીએ કે પાંચ મહિના લાંબો સમય છે. અમે જોઈશું કે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝ (જુલાઈમાં) દરમ્યાન શું થાય છે, પરંતુ જે પણ થશે એ ભારતીય ક્રિકેટના હિતમાં હશે.
ADVERTISEMENT
હું હંમેશાં ઇચ્છું છું કે દરેક જણ ડોમેસ્ટિક ક્રિકેટ રમે. ડોમેસ્ટિક ક્રિકેટ પર ધ્યાન આપવું જોઈએ. દરેક પ્લેયરે સ્થાનિક ક્રિકેટ રમવું જોઈએ. જો તેઓ ઉપલબ્ધ હોય અને ટેસ્ટ-ક્રિકેટ માટે પ્રતિબદ્ધ હોય. જો તમે ડોમેસ્ટિક ક્રિકેટને મહત્ત્વ નહીં આપો તો ટેસ્ટ-ક્રિકેટ માટે જરૂરી પ્લેયર્સ ક્યારેય ઊભરી શકશે નહીં.
હું કોઈ પણ ખેલાડીના ભવિષ્ય વિશે વાત કરી શકતો નથી. એ તેમનો નિર્ણય છે, પરંતુ હું એટલું જ કહી શકું છું કે તેમની પાસે હજી પણ ભૂખ છે, જુસ્સો છે. તેઓ સંકલ્પબદ્ધ વ્યક્તિઓ છે અને મને આશા છે કે ભારતીય ક્રિકેટને આગળ લઈ જવાનું ચાલુ રાખશે. તેઓ જે પણ નિર્ણય લેશે એ ભારતીય ક્રિકેટના હિતમાં રહેશે.
રોહિત-વિરાટ છેલ્લે રણજી ટ્રોફીની મૅચ ક્યારે રમ્યા?
રણજી ટ્રોફીમાં છેલ્લે વિરાટ કોહલી દિલ્હી માટે ૨૦૧૨માં રમ્યો હતો, જ્યારે રોહિત શર્મા મુંબઈ માટે ૨૦૧૫માં છેલ્લી વાર રમ્યો હતો. ડોમેસ્ટિક ક્રિકેટમાં વન-ડે ફૉર્મેટની ટુર્નામેન્ટમાં છેલ્લે વિરાટ કોહલી ૨૦૧૩માં અને રોહિત ૨૦૧૮માં રમતા જોવા મળ્યા હતા.