મુસ્તફિઝુર રહમાનના રિપ્લેસમેન્ટ તરીકે કોલકાતા નાઇટ રાઇડર્સમાં જોડાયો...
ઝિમ્બાબ્વેના બોલર મુઝરબાની બ્લેસિંગે IPLમાં રમવા PSLમાંથી નામ પાછું ખેંચ્યું
ઝિમ્બાબ્વેના ૬ ફુટ ૮ ઇંચ ઊંચા ફાસ્ટ બોલર મુઝરબાની બ્લેસિંગે ભારતની T20 લીગ IPLમાં રમવા માટે પાકિસ્તાન સુપર લીગ (PSL)માંથી નામ પાછું ખેંચ્યું છે. ઇસ્લામાબાદ યુનાઇટેડે તેને આગામી સીઝન માટે રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે સાઇન કર્યો હતો. જોકે ૨૯ વર્ષના આ બોલરે પાકિસ્તાની લીગની ટીમ સાથેનો કરાર તોડીને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઇટ રાઇડર્સ માટે રમવાનું નક્કી કર્યું છે.
ભારતમાં ધાર્મિક વિરોધ વચ્ચે ૯.૨ કરોડ રૂપિયાના બંગલાદેશી પેસ બોલર મુસ્તફિઝુર રહમાનને કલકત્તાની સ્ક્વૉડમાંથી બહાર કરવામાં આવ્યો હતો. એના રિપ્લેસમેન્ટ તરીકે મુઝરબાની બ્લેસિંગને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેના કરારની રકમ હજી જાહેર કરવામાં આવી નથી.
IPL 2025માં મુઝરબાની બ્લેસિંગને અંતિમ મૅચો દરમ્યાન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે જ સામેલ કર્યો હતો, જોકે તેને મૅચ રમવાની તક મળી નહોતી. આ બોલર કલકત્તાની ટીમમાં ૧૭ માર્ચે જોડાશે અને આ વર્ષે IPL ડેબ્યુ થાય એવી આશા રાખશે. ક્રિકેટ કરીઅરમાં ૧૩૭ T20 મૅચ રમીને આ પેસ બોલર ૧૫૫ વિકેટ લઈ ચૂક્યો છે. મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની છ મૅચમાં તેણે ૧૩ વિકેટ ઝડપી હતી.
