સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટેની T20 ટુર્નામેન્ટમાં તોફાની બૅટિંગ કરી રહ્યો છે હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યા
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) માટેની T20 ટુર્નામેન્ટમાં હાર્દિક પંડ્યાએ ત્રણ દિવસમાં બીજી વાર તોફાની બૅટિંગ કરી હતી. ગઈ કાલે હાર્દિક બરોડા વતી રમતી વખતે ત્રિપુરા સામે ૨૩ બૉલમાં ૪૭ રનની મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમ્યો હતો જેમાં તેણે એક ઓવરમાં ફરી ૪ સિક્સર ફટકારી હતી. ઇન્દોરમાં રમાયેલી આ મૅચમાં ત્રિપુરાના ૧૧૦ રનના જવાબમાં બરોડાએ ૧૧.૨ ઓવરમાં જ મૅચ જીતી લીધી હતી. હાર્દિકે ત્રિપુરાના લેફ્ટ-આર્મ સ્પિનર પરવેઝ સુલતાનની એક ઓવરમાં ૪ સિક્સર અને એક ફોર ફટકારીને ૨૮ રન કર્યા હતા. હાર્દિકે પરવેઝ સુલતાનની ઓવરમાં ૬,૦,૬,૬,૪,૬ એમ રન કર્યા હતા.
આ પહેલાં હાર્દિકે બુધવારે તામિલનાડુના ગુર્જપનીત સિંહની એક ઓવરમાં ૨૯ રન ફટકાર્યા હતા જેમાં ઉપરાઉપરી ૪ સિક્સરનો સમાવેશ હતો. એ ઇનિંગ્સમાં હાર્દિકે ૩૦ બૉલમાં ૬૯ રન કર્યા હતા. એ મૅચ બરોડા છેલ્લા બૉલમાં જીત્યું હતું. તામિલનાડુએ ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૨૨૧ રન કર્યા હતા અને બરોડાએ વીસમી ઓવરના છેલ્લા બૉલમાં જીત મેળવી હતી.
ADVERTISEMENT
આ વર્ષે SMATમાં બરોડા સતત જીતી રહ્યું છે એ હાર્દિકના પર્ફોર્મન્સના સાતત્યને આભારી છે. હાર્દિક સોમવારે ઉત્તરાખંડ સામે પણ ૨૧ બૉલમાં ૪૧ રનની અને ગયા શનિવારે ગુજરાત સામે ૩૫ બૉલમાં ૭૪ રનની મૅચવિનિંગ ઇનિંગ્સ રમ્યો હતો.