ચોથા દિવસે ૧૭.૪ ઓવરમાં ૭૫ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ૯ વિકેટે બીજી ટેસ્ટ જીતી આૅસ્ટ્રેલિયાએ, શ્રીલંકા સામે ૨-૦થી સિરીઝ પણ જીતી લીધી : ૧૫૬ રન ફટકારનાર ઍલેક્સ કૅરી બન્યો પ્લેયર આૅફ ધ મૅચ, ૨૭૨ રન કરીને સ્ટીવ સ્મિથ બન્યો પ્લેયર આૅફ ધ સિરીઝ
વૉર્ન-મુરલીધરન ટ્રોફી સાથે આૅસ્ટ્રેલિયન ટીમે ફોટો માટે આપ્યો પોઝ.
શ્રીલંકા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી સાતમી વૉર્ન-મુરલીધરન ટ્રોફી ટેસ્ટ-સિરીઝમાં કાંગારૂ ટીમે પાંચમી વાર જીત મેળવી છે. પહેલી ટેસ્ટ-મૅચ એક ઇનિંગ્સ અને ૨૪૨ રને જીતનાર ઑસ્ટ્રેલિયન ટીમે બીજી ટેસ્ટ-મૅચ ૯ વિકેટે જીતી છે. પહેલી ઇનિંગ્સમાં શ્રીલંકાએ ૨૫૭ રન અને ઑસ્ટ્રેલિયાએ ૪૧૪ રનનો સ્કોર કર્યો હતો. બીજી ટેસ્ટ-મૅચના ચોથા દિવસે શ્રીલંકા ૬૮.૧ ઓવરમાં ૨૩૧ રને ઑલઆઉટ થતાં મહેમાન ટીમને ૭૫ રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટને ઑસ્ટ્રેલિયન ટીમે ૧૭.૪ ઓવરમાં એક વિકેટના નુકસાન સાથે ચેઝ કરી લીધો હતો.
વર્ષ ૨૦૧૧ બાદ એટલે કે ૧૪ વર્ષ બાદ પહેલી વાર ઑસ્ટ્રેલિયન ટીમ શ્રીલંકાની ધરતી પર ટેસ્ટ-સિરીઝ જીતી છે. આ દરમ્યાન રમાયેલી બેમાંથી એક ટેસ્ટ-સિરીઝ ૨૦૧૬માં યજમાન ટીમ શ્રીલંકાએ જીતી હતી, જ્યારે ૨૦૨૨ની સિરીઝ ડ્રૉ રહી હતી. ઑસ્ટ્રેલિયન ટીમે છેલ્લે એશિયામાં એપ્રિલ ૨૦૦૬માં બંગલાદેશ સામે ૨-૦થી ટેસ્ટ-સિરીઝ ક્લીન સ્વીપ કરી હતી. હવે ૧૮ વર્ષ ૧૦ મહિના બાદ કાંગારૂ ટીમે એશિયાની ધરતી પર ૨-૦થી સિરીઝ ક્લીન સ્વિપ કરી છે.
ADVERTISEMENT
શ્રીલંકાની ધરતી પર ૨૫૯ રનની ચોથી વિકેટ માટેની સૌથી મોટી પાર્ટનરશિપ કરનાર કૅપ્ટન સ્ટીવ સ્મિથ અને વિકેટકીપર ઍલેક્સ કૅરી અવૉર્ડ વિજેતા બન્યા છે. બીજી ટેસ્ટમાં ૧૫૬ રન કરનાર વિકેટકીપર-બૅટર ઍલેક્સ કૅરી પ્લેયર ઑફ ધ મૅચ બન્યો છે, જ્યારે કૅપ્ટન સ્ટીવ સ્મિથ આખી સિરીઝમાં ૨૭૨ રન કરીને પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ જીત્યો છે.
ચોથા દિવસે શ્રીલંકાએ ૬૨.૧ ઓવરમાં ૨૧૧/૮ના સ્કોરથી બીજી ઇનિંગ્સને આગળ વધારી પણ ૬૮.૧ ઓવર સુધીમાં વધુ ૨૦ રન ઉમેરીને ટીમ ઑલઆઉટ થઈ હતી. બીજી ઇનિંગ્સમાં ઑસ્ટ્રેલિયન સ્પિનર નૅથન લાયન અને મૅથ્યુ કુહનમૅને સૌથી વધુ ૪-૪ વિકેટ ઝડપી હતી. કુલ ૭ વિકેટ લેનાર નૅથન લાયને પોતાની ટેસ્ટ-કરીઅરમાં ૫૫૦ વિકેટ પણ પૂર્ણ કરી છે. ૭૫ રનના નાના ટાર્ગેટને ઉસ્માન ખ્વાજા (૨૭ રન અણનમ), ટ્રૅવિસ હેડે (૨૦ રન) અને માર્નસ લબુશેને (૨૬ રન અણનમ) ૧૭.૪ ઓવરમાં ચેઝ કરી બતાવ્યો હતો.
WTCના પૉઇન્ટ્સ-ટેબલમાં બીજા ક્રમે જ રહી આૅસ્ટ્રેલિયન ટીમ
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ત્રીજી સીઝનની ફાઇનલ સિવાયની તમામ મૅચ હવે પૂર્ણ થઈ છે. શ્રીલંકા સામે ક્લીન સ્વીપ કરનાર ઑસ્ટ્રેલિયાએ ૬૭.૫૪ પૉઇન્ટ ટકાવારી સાથે બીજા ક્રમે પોતાની સફર સમાપ્ત કરી છે. જ્યારે સાઉથ આફ્રિકા ૬૯.૪૪ની પૉઇન્ટ ટકાવારી સાથે પહેલા ક્રમે રહ્યું છે. બન્ને વચ્ચે ટ્રોફી જીતવાનો જંગ ૧૧ જૂનથી લૉર્ડ્સના મેદાન પર થશે.
દિમુથ કરુણારત્નેએ ઇન્ટરનૅશનલ ક્રિકેટ-કરીઅરને અલવિદા કહી
શ્રીલંકાના ૩૬ વર્ષના દિમુથ કરુણારત્નેએ ઑસ્ટ્રેલિયા સામે પોતાની ૧૦૦મી ટેસ્ટ-મૅચ અને અંતિમ ઇન્ટરનૅશનલ મૅચમાં કુલ ૫૦ રન બનાવ્યા છે. પહેલી ઇનિંગ્સમાં ૩૬ અને બીજીમાં ૧૪ રન કરનાર આ ઓપનરે ૧૬ સેન્ચુરી સાથે ટેસ્ટ-કરીઅરમાં ૭૨૨૨ રન બનાવ્યા છે. ૫૦ વન-ડે મૅચમાં ૧૩૧૬ રન કરનાર આ ક્રિકેટરે ટેસ્ટ-મૅચ બાદ કહ્યું કે ‘આ મારા માટે ખૂબ જ ઇમોશનલ દિવસ હતો. આ એક લાંબી કરીઅર રહી છે. આટલા લાંબા સમય સુધી ક્રિકેટ રમવું મારા માટે સન્માનની વાત છે. મને ટેકો આપનારા બધાનો હું આભારી છું.’
જુલાઈ ૨૦૧૧માં ઇન્ટરનૅશનલ કરીઅરની શરૂઆત કરનાર કરુણારત્નેને બીજી મૅચના પહેલા દિવસે શ્રીલંકન ક્રિકેટ બોર્ડે ગાર્ડ ઑફ ઑનર સાથે સ્મૃતિ ભેટ આપી સન્માન કર્યું હતું.
|
WTC ઇતિહાસમાં સૌથી |
|
|
ઑસ્ટ્રેલિયા |
૫૩માંથી ૩૩ જીત |
|
ઇંગ્લૅન્ડ |
૬૫માંથી ૩૨ જીત |
|
ભારત |
૫૬માંથી ૩૧ જીત |
|
સાઉથ આફ્રિકા |
૪૦માંથી ૨૧ જીત |
|
ન્યુ ઝીલૅન્ડ |
૩૯માંથી ૧૯ જીત |


