Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ધુરંધર સૂર્યવંશીએ માત્ર ૫૩ બૉલમાં ૨૦૪ રનની વૈભવી ઇનિંગ્સ રમી

ધુરંધર સૂર્યવંશીએ માત્ર ૫૩ બૉલમાં ૨૦૪ રનની વૈભવી ઇનિંગ્સ રમી

Published : 25 November, 2026 05:09 PM | Modified : 25 November, 2026 05:16 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

UAEએ આપેલા ૨૫૦ રનના લક્ષ્યાંક સામે ફક્ત ૧૪. ૨ ઓવરમાં ૨૫૪ રન ફટકારીને ૭ વિકેટે જીત્યું ઇન્ડિયા A

વૈભવ સૂર્યવંશી

વૈભવ સૂર્યવંશી


૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીએ લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી ફિફ્ટી પછી ફાસ્ટેસ્ટ સેન્ચુરી, ડબલ સેન્ચુરીનો પણ રેકૉર્ડ બનાવ્યો; ફાસ્ટેસ્ટ ૧૫૦ રનનો પોતાનો જ રેકૉર્ડ સુધાર્યો

કતરના દોહામાં આયોજિત મેન્સ વન-ડે એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026માં ઇન્ડિયા A ટીમે શાનદાર અંદાજમાં પોતાના ગ્રુપ-સ્ટૅજ અભિયાનનો અંત કર્યો હતો. UAE ટીમે ભારતના ભૂતપૂર્વ 


અન્ડર-19 ક્રિકેટર હરપ્રીત સિંહ ભાટિયાની પહેલી ઇન્ટરનૅશનલ સેન્ચુરીની મદદથી ૫૦ ઓવરમાં ૨૪૯-૮નો સ્કોર કર્યો હતો. જવાબમાં ઇન્ડિયા A ટીમે માત્ર ૧૪.૨ ઓવરમાં ૨૫૪-૩નો સ્કોર કરીને સરળતાથી ૨૫૦ રનનો લક્ષ્યાંક પૂરો કર્યો હતો. ૩૫ વર્ષના હરપ્રીત સિંહ ભાટિયાએ ત્રીજા ક્રમે રમીને ૧૨ ફોર, ૪ સિક્સની મદદથી ૧૪૪ બૉલમાં ૧૩૦ રન કર્યા હતા. ફાસ્ટ બોલર અરશદ ખાને ૧૦ ઓવરમાં ૪૩ રન આપીને ૪ વિકેટ લીધી હતી. રન-ચેઝ દરમ્યાન ભારત માટે અભિષેક શર્માએ પાંચ બૉલમાં ૧૨ રન, પ્રભસિમરન સિંહે ૪ બૉલમાં ૩ રન અને રિન્કુ સિંહે ૧૯ બૉલમાં અણનમ ૨૭ રનનું યોગદાન આપ્યું હતું. ૧૫ વર્ષના ઓપનર વૈભવ સૂર્યવંશીએ ૫૩ બૉલમાં ૭ ફોર અને ૨૮ સિક્સની મદદથી ૨૦૪ રન ઝૂડ્યા હતા. ૧૬૩ રનના સ્કોર પર તેનો એક કૅચ પણ હરીફ ટીમે છોડ્યો હતો. તેરમી ઓવરમાં જીત માટે માત્ર પાંચ રનની જરૂર હતી ત્યારે વૈભવ કૅચઆઉટ થયો હતો. 

વૈભવના શાનદાર વર્લ્ડ રેકૉર્ડ્‍સ

માત્ર ૧૫ વર્ષના ડાબોડી બૅટર વૈભવ સૂર્યવંશીએ ઓપનિંગમાં ઊતરીને ૧૬ બૉલમાં ફિફ્ટી, ૨૮ બૉલમાં સેન્ચુરી, ૪૦ બૉલમાં ૧૫૦ રન, બાવન બૉલમાં ડબલ સેન્ચુરી ફટકારી હતી. વૈભવ સૂર્યવંશીએ આ વર્ષે શ્રીલંકા A સામે લિસ્ટ A ક્રિકેટની ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી હતી. ૨૦૨૫માં બિહારના વૈભવ સૂર્યવંશીએ અરુણાચલ સામે ૫૯ બૉલમાં ફાસ્ટેસ્ટ ૫૯ રન ફટકાર્યા હતા. તેણે પોતાનો આ વર્લ્ડ રેકૉર્ડ સુધાર્યો છે. અગાઉ ૨૦૨૩માં જેક ફ્રેઝર-મૅકગર્કે સાઉથ ઑસ્ટ્રેલિયા તરફથી ટૅસ્માનિયા ટીમ સામે આ ફૉર્મેટની ફાસ્ટેસ્ટ ૨૯ બૉલની સેન્ચુરી ફટકારી હતી. વૈભવે ૧ બૉલથી આ વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો છે. ૨૦૨૪માં ન્યુ ઝીલૅન્ડના ચૅડ બોવેસે કેન્ટરબરી ટીમ માટે ઓટાગો સામે ૧૦૩ બૉલમાં લિસ્ટ Aની ડબલ સેન્ચુરી પૂરી કરી હતી. વૈભવ ૧૦૦થી ઓછા બૉલમાં આ ફૉર્મેટની ડબલ સેન્ચુરી ફટકારનાર પહેલો ક્રિકેટર બન્યો છે. એક ઇનિંગ્સમાં ૨૮ સિક્સ ફટકારીને વૈભવે વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. અગાઉ ૨૦૧૮માં વેસ્ટન ઑસ્ટ્રેલિયા તરફથી ડાર્સી શૉર્ટે ક્વીન્સલૅન્ડ સામેની લિસ્ટ A મૅચમાં ૨૩ સિક્સ ફટકારી હતી. પ્રોફેશનલ ક્રિકેટના કોઈ પણ ફૉર્મેટની ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકૉર્ડ અગાઉ હૈદરાબાદના તન્મય અગ્રવાલે ૨૦૨૪ની રણજી સીઝનમાં બનાવ્યો હતો. તેણે અરુણાચલ પ્રદેશ સામે એક ઇનિંગ્સમાં ૨૬ સિક્સ ફટકારી હતી.

વૈભવ સૂર્યવંશીની ધમાકેદાર ઇનિંગ્સ

રન

૨૦૪

બૉલ

૫૩

ચોગ્ગા

૭

છગ્ગા

૨૮

સ્ટ્રાઇક-રેટ

૩૮૪.૯૦

હાઇએસ્ટ 384.90 સ્ટ્રાઇક-રેટથી લિસ્ટ A ક્રિકેટમાં સદી પૂરી કરવાનો રેકૉર્ડ કર્યો વૈભવ સૂર્યવંશીએ. એ.બી. ડિવિલિયર્સનો ૨૦૧૫નો ૩૩૮.૬૩ના સ્ટ્રાઇક-રેટનો રેકૉર્ડ તોડ્યો.

ઇન્ડિયા A ટીમે માત્ર પાંચ ઓવરમાં ૧૦૦ રન, ૮૬ બૉલમાં ૨૫૦ રન પૂરા કર્યા

ભારતીય ટીમે ૧૪.૨ ઓવર એટલે કે ૮૬ બૉલમાં ૨૫૦ રન ચેઝ કર્યા હતા. લિસ્ટ A ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ ૨૦૦ પ્લસ રનના ટાર્ગેટની સૌથી ઝડપી રન-ચેઝ ઇન્ડિયા Aના નામે થઈ છે. અગાઉ ૨૦૦૩માં લાહોરમાં અલાઇડ બૅન્ક લિમિટેડે ૨૦ ઓવરમાં ૨૪૦ રનનો ટાર્ગેટ ૨૦ ઓવરમાં પૂરો કર્યો હતો. ઇન્ડિયા A ટીમે ૧૦ ફોર અને ૩૧ સિક્સની મદદથી આ કમાલ કરી હતી. લિસ્ટ A ક્રિકેટમાં એક મૅચમાં સૌથી વધુ સિક્સ ફટકારનારી ટીમોમાં ઇન્ડિયા A બીજા ક્રમે છે. ૨૦૨૫માં બિહારે અરુણાચલ પ્રદેશ સામે ૩૮ સિક્સ ફટકારી હતી. એ સમયે વૈભવે ૧૫ સિક્સ ફટકારી હતી. લિસ્ટ A ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ પાંચ ઓવરમાં ટીમ-સેન્ચુરી પૂરી કરવાના મામલે ઇન્ડિયા A ટીમે પોતાનો જ રેકૉર્ડ સુધાર્યો છે. આ વર્ષે ઇન્ડિયા A ટીમે શ્રીલંકા A સામે ૬.૩ ઓવરમાં ૧૦૦ રન પૂરા કરવાના ન્યુ ઝીલૅન્ડના ૨૦૧૫ના રેકૉર્ડની બરાબરી કરી હતી. કિવીઓએ આ રેકૉર્ડ શ્રીલંકા સામે બનાવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2026 05:16 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK