નવપરિણીત કપલોનું હનીમૂન અટવાયું
વેડિંગ પછી કપલ્સ હનીમૂન પર જવા માટે તલપાપડ હોય એ સ્વાભાવિક છે પરંતુ પેરન્ટ્સ છે કે માનતા જ નથી. ક્યાંક ન્યુલી મૅરિડ કપલ પોતે પણ અસમંજસમાં છે કે તેમનો હૉલિડે પ્લાન તેમને ઊલમાંથી ચૂલમાં ન પાડે. તો કેટલાક વળી એવા કપલ પણ છે કે જેઓ હિંમત કરીને બહાર નીકળી ગયા છે. મૉલદીવ્ઝ, સાઉથ આફ્રિકા, દુબઈ જવાના રસ્તા ખુલી ગયા છે ત્યારે કેટલાંક કપલ પાસેથી તેમના હનીમૂન પ્લાન વિશે જાણીએ અને સાથે કેટલાક ટૂર-ઑપરેટરો સાથે પણ અત્યારે આ દિશામાં શું માહોલ છે એ વિશે વાત કરીએ
લગ્ન પછી હનીમૂન પર જવું એ દરેક નવપરિણીત માટે હવે ફરજિયાત પ્રણાલી બની ચૂક્યું છે. સહજીવનની નવી શરૂઆતમાં અનેક નવાં સંભારણાં સાથે આ સમય કપલ માટે જીવનભર માટે યાદગાર બની જતો હોય છે. જોકે હજીયે કોરોનાએ પીછો નથી છોડ્યો. સોશ્યલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને લગ્ન તો ખેર સાદગીથી કરી નાખ્યાં
ADVERTISEMENT
પરંતુ લગ્ન પછી ફરવા જવાનો હક કોરોનાને કારણે છીનવાઈ ગયાનો વસવસો મોટા ભાગનાં કપલના મનમાં ખૂંચી રહ્યો છે. ભારતમાં તો બધું ખૂલી ગયું છે અને લોકો ધીમે-ધીમે પોતાના રૂટીનમાં ગોઠવાઈ રહ્યા છે છતાં જસ્ટ મૅરિડ કપલ માટે લગ્ન પછી બહાર ફરવાની જવાની બાબતમાં હજી પણ ઘણાં વિઘ્નો આવતાં રહે છે. ક્યારે કયું ફરમાન આવી જાય અને પ્લાન મોકૂફ કરવો પડે એ ડરથી ઘણાં કપલે પ્લાન જ નથી કર્યો. બીજી બાજુ
ટ્રાવેલ એજન્સીઓની દૃષ્ટિએ હવે સેફ્ટીના નિયમોનું પાલન કરીને ઘણાં કપલ બહાર નીકળી રહ્યાં છે. આ વિશે ‘મિડ-ડે’એ કેટલાંક કપલની મનની વાત જાણી અને સાથે જ ટૂર ઑપરેટરો સાથે પણ વાત કરી જે તમારી સમક્ષ પ્રસ્તુત છે.
હિંમત કરીને ગોવા આવી ગયાં છીએ અને સલામત છીએ: રાજ અને ભૂમિ મહેતા
હજી પાંચેક દિવસ પહેલાં જ લગ્નગ્રંથિથી જોડાનારાં રાજ મહેતા અને ભૂમિ આચાર્ય-મહેતા અત્યારે ગોવામાં હનીમૂન મનાવી રહ્યાં છે. જ્યારે ગોવા જવાનો પ્લાન બનાવ્યો અને બધું બુકિંગ કર્યું ત્યારે એમ હતું કે હાશ, હવે કદાચ બધું નૉર્મલી પાર પડશે. રાજ કહે છે, ‘ઑલરેડી લગ્નના પ્લાનમાં બદલાવ કરવો પડ્યો હતો. મેમાં મૅરેજ હતાં અને અમે ઇન્ટરનૅશનલ હૉલિડેનું પ્લાનિંગ કર્યું હતું એને બદલે કોરોનાની સતત વકરી રહેલી સ્થિતિ જોતાં લગ્ન પાછળ ઠેલીને ડિસેમ્બરમાં કર્યાં. દૂર જવા જેવો અત્યારે સમય નથી એને કારણે નજીકમાં ગોવા જ જઈ આવીએ એવું નક્કી કર્યું. એ સમયે રાજ્ય સરકારે ગોવા, ગુજરાતથી આવતા લોકો માટે કોરોના ટેસ્ટ કમ્પલ્સરી નહોતું કરી. જોકે અમારા બુકિંગ પછી આ નવો નિયમ આવ્યો અને ઘરમાં બધા ડરી ગયા હતા. પાછો કોવિડે ઊથલો માર્યો છે, સેકન્ડ વેવ છે એ ડર વચ્ચે થોડીક વાર માટે મારી વાઇફ પણ ડબલ માઇન્ડ હતી. અમે ગોવાના પ્રૉપર્ટી મૅનેજરને ફોન કર્યો તો તેણે હિંમત આપીને કહ્યું કે તમે નિઃસંકોચ આવી જાઓ. અહીં કોરોનાના કેસ નહીં બરાબર છે. કોવિડ ટેસ્ટ કરાવવી પડશે તો એની વ્યવસ્થા પણ થઈ જશે. પૂરેપૂરી સેફ્ટી રાખીશું અને ફરીશું અને મોટી હોટેલમાં તો એ લોકો પણ સેફ્ટીનું વિશેષ ધ્યાન રાખતા હોય છે વગેરે કહીને મેં વાઇફને મેં કન્વિન્સ કરી, મારા નાના ભાઈએ મારા પેરન્ટ્સને કન્વિન્સ કર્યા, મારી સાળીએ મારી વાઇફના પેરન્ટ્સને સમજાવ્યા. મેં પણ તેમને કહ્યું કે ચિંતા નહીં કરો. અમે પૂરેપૂરું ધ્યાન રાખશું. કોવિડ ટેસ્ટ કરાવીશું અને કોઈ રિપોર્ટ નેગેટિવ નહીં આવે છતાં જો એવું થયું તો ત્યાં ૧૪ દિવસ ક્વૉરન્ટીન થવા માટે વિલાની વ્યવસ્થા પણ મેં કરી લીધી છે. પેરન્ટ્સને પૂરો આત્મવિશ્વાસ બેઠો એ પછી જ અમે ઘરેથી નીકળ્યાં છીએ. અહીં તમે જુઓ તો ચારેય બાજુ નવપરિણીત કપલ જ દેખાઈ રહ્યાં છે. ગોવા જાણે કોવિડ ટાઇમમાં નવું હૉલિડે ડેસ્ટિનેશન બની ગયું છે.’
રાજ અને ભૂમિની ગઈ કાલે કોવિડ ટેસ્ટ તેમની હોટેલમાં જ થઈ છે જેના રિપોર્ટ હવે આવશે. રાજ કહે છે, ‘ઍરપોર્ટ પર પણ ટેસ્ટ થાય છે પરંતુ અમારે ત્યાં લાઇનમાં ઊભાં નહોતું રહેવું એટલે હોટેલમાં જ અમે અમારું ટેસ્ટિંગ કરાવી નાખ્યું છે. અત્યારે કોઈ સિમ્પટમ્સ નથી એટલે રિપોર્ટ નેગેટિવ જ આવવાના છે. વ્યવસ્થા અમે દરેક કન્ડિશન માટે કરી લીધી છે.’
રાજ અને ભૂમિ માટે તેમનું આ પાંચ દિવસનું હનીમૂન કોઈ ઍડ્વેન્ચરથી ઓછું નથી રહ્યું.
હવે કદાચ કુર્ગ જવાનો વિચાર કરી રહ્યાં છીએ: રિશીરાજ અને બિનિતા મહેતા
આ અઠવાડિયે જ લગ્નગ્રંથિથી જોડાનારાં તાડદેવમાં રહેતાં રિશીરાજ મહેતા અને બિનિતા પટેલે હનીમૂન પર ફરવા જવું કે નહીં એ દિશામાં ભરપૂર ચર્ચા કરી છે. રિશીરાજ કહે છે, ‘હકીકતમાં મારે તો એપ્રિલ, ૨૦૨૧માં જ લગ્ન કરવાં હતાં. પરંતુ સ્થિતિ એવી નહોતી. કોઈ સારાં મુરત નહોતાં એટલે ડિસેમ્બરમાં કરવા પડ્યાં. લગ્ન પછી સો ટકા કોઈ હિલ સ્ટેશન પર ફરવા જવાનો પ્લાન હતો, પરંતુ આવા સમયે ક્યાં જવું? શરૂઆતમાં તો અમે તાજ લૅન્ડ્સ એન્ડમાં બે દિવસ રહી આવ્યાં. ફરી પરિસ્થિતિ સુધરશે એટલે ક્યાંક જઈશું એવું વિચાર્યું હતું. જોકે હવે ફરી મન ઊપડ્યું છે. ઘરવાળાને પણ ટેન્શન તો હોય જ. એટલે તેમનું કહેવું છે કે બહુ દૂર નહીં જાઓ અને અહીં મહારાષ્ટ્રમાં જ ક્યાંક જઈ આવો. વચ્ચે લોનાવલાની કોઈ આધુનિક વિલામાં જવાનું વિચારતાં હતાં. પણ થોડુંક રિસર્ચ કર્યા પછી ખબર પડી છે કે કુર્ગમાં કોવિડની એટલી અસર નથી થઈ. એકાદ અઠવાડિયામાં નિર્ણય લઈશું. સંજોગો મહત્ત્વના છે અત્યારે. વાઇફ ખૂબ સપોર્ટિવ છે. બેશક, કોરોનાને કારણે ઘણાં અરમાનો અધૂરાં રહી ગયાં. જોકે એ પછી પણ એટલું કહીશ કે આ સમયમાં ઘણા લોકોએ ઘણો કપરો સમય જોયો છે. ઘણાએ પોતાનાં જીવન ખોયાં છે. અને એ પછીયે ઘણા લોકો બેદરકાર છે. એવા સમયે અમે થોડી પોતાની રીતે સાવચેતી રાખીએ એ જરૂરી જ છે. લગ્નમાં પણ અમે એટલે જ કાયદાઓનું બરાબર પાલન કર્યું છે.’
અત્યારે તો એવો જ પ્લાન છે કે મુંબઈમાં જ મનાવીશું હનીમૂન: મિહિર અને મિલોની સંઘવી
થાણેમાં રહેતાં મિહિર સંઘવી અને ખેતવાડીમાં રહેતી મિલોની મોદીનાં આ ૨૭ ડિસેમ્બરે લગ્ન છે. અત્યારે તો મિહિરે મુંબઈની કોઈ ફાઇવસ્ટાર હોટેલમાં જ ફરી આવવાનું વિચાર્યું છે. મિહિર કહે છે, ‘લગ્ન સાથે જોડાયેલાં મારા અને મારી વાઇફનાં ઘણાં સપનાંઓ કોરોનાને કારણે પૂરાં નથી થઈ શક્યાં. પરંતુ બીજું કરી પણ શું શકાય? સમયને તો સાચવવો જ પડેને? આજે રિસ્ક લઈને ક્યાંય જઈએ અને કંઈક થઈ જાય તો શું કરીશું? નવાં લગ્ન થયા પછી આવું જોખમ કોને ઉપાડવું ગમે? અત્યારે મુંબઈની કોઈ સારી હોટેલમાં જઈને બે-ત્રણ દિવસ રહીશું એવો જ વિચાર કર્યો છે, કારણ કે ફરવા માટે આખી જિંદગી પડી છે. થોડાક મહિના સાચવી લેવામાં કોઈને કોઈ વાંધો નથી. બન્નેની ફૅમિલી પણ ચિંતામુક્ત રહી શકશે અને અમને પણ એ મંજૂર નથી કે અમે પોતાના માટે કોઈ બીજા માટે બહાર નીકળીને કોઈ જોખમ ઊભું કરીએ.’
ગોવાને બદલે નાશિક ફરી આવ્યાં અમે તો: જય અને દિશા મહેતા
બોરીવલીમાં રહેતાં જય અને દિશા મહેતાનાં ૨૭ નવેમ્બરે લગ્ન થયાં. તેમનાં લગ્નના ઘણા પ્રસંગો પણ ઑનલાઇન જ પાર પાડ્યા. છેલ્લે સાદગી સાથે લિમિટેડ લોકો વચ્ચે લગ્ન પણ પાર પાડ્યાં. જોકે લગ્ન પછી પાંચ-સાત દિવસ ગોવા જઈ આવીશું એવું નક્કી કર્યું હતું, પણ એમાં પાછો પ્રૉબ્લેમ આવ્યો. જય અને દિશા કહે છે, ‘૨૭ના અમારાં લગ્ન હતાં અને ગોવાનું બધું જ બુકિંગ થઈ ગયું હતું ત્યાં ૨૫ નવેમ્બર પછી ગોવા, ગુજરાતથી આવનારાએ કોવિડ રિપોર્ટ કમ્પલ્સરી લાવવો પડશે એ નિયમ આવ્યો. અમારા તો તમામ પ્લાન પર પાણી ફરી વળ્યું. હવે તો ગોવા જવાનું કૅન્સલ જ કરવું પડ્યું, કારણ કે કોવિડના રિપોર્ટ કરાવવાની અમારી તૈયારી નહોતી. ઘરના લોકોને પણ મનમાં ડર રહે. છેલ્લે અમે ત્રણ દિવસ નાશિક એક રિસોર્ટમાં અને ઇગતપુરી રહી આવ્યાં. અત્યારે તો આ રીતે શૉર્ટકટમાં હનીમૂન થઈ ગયું છે. બધું શાંત થશે પછી ક્યાંક સાથે વધુ દિવસો માટે ફરવા જઈશું. સગાઈ થઈ ત્યારે તો અમે એમ જ ધારતાં હતાં કે નવેમ્બર સુધી તો બધું નૉર્મલ થઈ જશે અને અમે સાઉથ આફ્રિકા, સ્વિટ્ઝરલૅન્ડ કે જર્મનીમાંથી કોઈ એક જગ્યાએ જઈશું એવો પ્લાન કરી રહ્યાં હતાં. પણ બધા જ પ્લાન પર કોરોનાએ પાછા ઠેલવા પડ્યાં છે. અત્યારે અમારા માટે સેફ્ટી પહેલાં છે, કારણ કે પેરન્ટ્સ ઉંમરલાયક છે. તેમને હેલ્થ પ્રૉબ્લેમ છે ત્યારે અમારે કોઈ રિસ્ક અમારા માટે કે અમારા પરિવારજનો માટે નથી લેવું.’
મનને મનાવ્યા વિના છૂટકો છે કે?: વિજય અને દિશા પાલરેચા
જોગેશ્વરીમાં રહેતાં વિજય અને દિશા પાલરેચાએ પણ આ જ અઠવાડિયે લગ્ન કર્યાં છે. આ કપલ હનીમૂન અત્યારે પ્રાયોરિટી નથી અને હોવું પણ ન જોઈએ એ બાબતમાં સ્પષ્ટ છે. દિશા કહે છે, ‘એક વર્ષ અમારો કોર્ટશિપ પિરિયડ હતો જેમાં મોટા ભાગનો સમય લૉકડાઉનમાં જ ગયો. કોરોના ન હોત તો સો ટકા લૅવિશ હનીમૂન પ્લાન કર્યું હોત, પરંતુ અત્યારે એ પ્લાન કૅન્સલ કર્યો છે. જ્યારે બધું જ સારું થઈ જશે, પરિસ્થિતિ કન્ટ્રોલમાં હશે એ પછી જ ક્યાંય પણ જવાનો પ્લાન બનાવીશું. આપણે લાખ પ્રિકોશન્સ રાખીએ, માસ્ક પહેરીએ, સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવીએ તો પણ જો બીજા એનું ધ્યાન નહીં રાખે તો પણ નુકસાન આપણને થઈ શકે છે. એના કરતાં અત્યારે એ જોખમ જ ન લઈએ એ સૌથી શ્રેષ્ઠ છે. સારી રીતે ફરવા જઈશું અમે. માસ્ક પહેરીને મૉલદીવ્ઝ કે અન્ય કોઈ પણ સ્થળે ફરવા જવાનો આઇડિયા જ મને બંધ નથી બેસતો. સંજોગો જ એવા છે કે મનને મનાવ્યા વિના છૂટકો પણ નથી.’
ટૂર-ઑપરેટરો શું કહે છે?
ડિમાન્ડ શરૂ થઈ છે. આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ માટે પર્યાયો ઓછા ખૂલ્યા છે છતા લોકો ઇન્ક્વાયરી કરતા થયા છે. મૉલદીવ્ઝ માટેની ડિમાન્ડ વધારે છે, કારણ કે ત્યાં કોરોનાના ઝીરો કેસ હોવાનું કહેવાય છે. તમામ તકેદારી સાથે લોકો ટ્રાવેલ કરી રહ્યા છે અને આટલા વખતથી મનમાં ભેગી થયેલી ફ્રસ્ટ્રેશનમાંથી બહાર પણ આવી રહ્યા છે. જે પણ લોકો ઇન્ક્વાયરી માટે આવે છે એ લોકોમાં ફરવા જવા માટેનું એક્સાઇટમેન્ટ છે. બેશક, સેફ્ટી મેઝર માટે પણ તેઓ તૈયાર છે. આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઉપરાંત ભારતમાં જ અમે આંતરાષ્ટ્રીય સ્તરની એક્ઝૉટિક અને લૅવિશ ડેસ્ટિનેશન શરૂ કરી છે જેમાં પણ ડિમાન્ડ ઊભી થઈ છે. બીજું, કોઈ પણ દેશમાં ટ્રાવેલ કરતા પહેલા ૭૨ કલાક પહેલાંનો કોવિડ રિપોર્ટ કમ્પલ્સરી આપવાનો હોય છે જેથી રિપોર્ટ નેગેટિવ હોય અને વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ હોય પછી જ બહાર નીકળી શકે છે. જે-તે સ્થળોએ પણ અત્યારે તો સેફ્ટીનું ધ્યાન રખાઈ રહ્યું છે. અત્યારે ઘણા દિવસથી આંખ ન હોય અને પછી અચાનક જોવા મળ્યું હોય એવો ઉમળકો પણ લોકોમાં જોવા મળી રહ્યો છે. મુંબઈમાં જ ફાઇવસ્ટાર હોટેલમાં જઈને ઍનિવર્સરી સેલિબ્રેટ કરી હોય એવાં ઘણાં કપલ આ સમયે અમારી પાસે આવ્યાં છે.
- તેજસ કપાસી, જેમ્સ ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સ
અત્યારની સ્થિતિ જોતા ઇન્ટરનૅશનલ ટ્રાવેલિંગ પણ મારી દૃષ્ટિએ થોડુંક ટ્રિકી છે. અત્યારે ટ્રાવેલ કરવું કે નહીં એ વ્યક્તિનો પોતાનો નિર્ણય હોવો જોઈએ, કારણ કે તમારી જોખમ ઉઠાવવાની કૅપેસિટી કેટલી છે એ તો તમારે પોતે જ નક્કી કરવું પડે. બીજી વાત, ટ્રાવેલ કંપનીના માલિક તરીકે પણ મને તો અત્યારે કમ સે કમ ચારથી છ મહિના રાહ જોવાનું વધુ ઉચિત લાગે છે. બેશક, મૉલદીવ્ઝ, સાઉથઆફ્રિકા અને દુબઈની ટૂરો શરૂ થઈ છે પરંતુ જોખમ તો છે જ. કદાચિત બહારના દેશમાં ઇન્ફેક્શન લાગ્યું તો ત્યાં મેડિકલની શું સુવિધા છે અને કઈ રીતે ત્યાં સર્વાઇવ કરશો એ પેચીદા પ્રશ્નો છે. વ્યક્તિગત રીતે તમે મને પૂછશો તો હું કહીશ કે અત્યારે હું દેશની બહાર ટ્રાવેલ કરવાનું અવૉઇડ કરીશ. એક કારણ છે કે હું મારા પેરન્ટ્સ સાથે રહું છું એટલે મારા કારણે તેમના પર જોખમ આવે એ મને નહીં ગમે. બીજું, હવે માત્ર છ મહિનાનો પ્રશ્ન છે. પછી તો પાછું બધું થાળે પડતું જ જવાનું છે. જો અવૉઇડ કરી શકાય એમ હોય તો કરવું જ જોઈએ. માર્ચ સુધીમાં વૅક્સિન શરૂ થઈ જશે પછી ભલેને ચાલુ કરો ફરવાનું.
- ધવલ જાંગલા, અરૉરા ટ્રાવેલ્સ
અત્યારે પ્રમાણમાં ઓછાં પણ હનીમૂન કપલની દુબઈ અને મૉલદીવ્ઝ માટેની ઇન્ક્વાયરી શરૂ થઈ છે. થોડાંક કપલ ત્યાં જઈ પણ આવ્યાં છે. સિનિયર સિટિઝનને ડર છે. સાઉથ આફ્રિકાની ડાયરેક્ટ ફ્લાઇટ નથી. વાયા દુબઈ જ જવું પડે. એક વાત લોકો સમજી રહ્યા છે કે કોરોના કદાચ હજી એકાદ-બે વર્ષ નહીં જાય તો જીવવાનું તો આપણે રોકી નથી શકવાના. હવે સ્ટ્રૉન્ગ ઇમ્યુનિટી અને સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે જીવતાં શીખી જવું પડશે. ટ્રાવેલમાં પણ આ ફન્ડા ફૉલો કરવાનો છે. લેટેસ્ટ કોવિડ રિપોર્ટ ઉપરાંત અમે ટ્રાવેલ હેલ્થ ઇન્શ્યૉરન્સ પર પણ બુકિંગ વખતે ભાર મૂકી રહ્યા છીએ. અમારી સાઇડથી જે પણ ટૂર હોય છે એમાં પણ ટૂર-મૅનેજરથી લઈને મહારાજ દ્વારા બનતા ભોજનમાં હાઇજીન અને સેફ્ટી મેઝર્સનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.
- ફોરમ શાહ, ફોરમ વર્લ્ડ વાઇડ