રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીના વિચારોની આસપાસ ચૂંટણીઓ અને સંસ્થાઓની નિષ્પક્ષતા પર પોતાનો તર્ક રજૂ કર્યો હતો
ગઈ કાલે લોકસભામાં બોલતા રાહુલ ગાંધી.
કૉન્ગ્રેસના સંસદસભ્ય અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ટી-શર્ટને બદલે ખુલ્લી બાંયવાળો ખાદીનો કુરતો પહેરીને ગઈ કાલે સંસદમાં પહોંચ્યા હતા. ખાદી શા માટે પહેરી એનો ખુલાસો તેમણે મતદારયાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મુદ્દે કરેલા સંબોધનમાં કર્યો હતો.
રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીના વિચારોની આસપાસ ચૂંટણીઓ અને સંસ્થાઓની નિષ્પક્ષતા પર પોતાનો તર્ક રજૂ કર્યો હતો. આ વિચારોમાંથી એક આત્મનિર્ભરતાનો હતો, જે હાથથી બનાવેલી ખાદી દ્વારા ચિહ્નિત થયો છે. તેમણે કહ્યું હતું કે ‘શું તમે ક્યારેય વિચાર્યું છે કે મહાત્મા ગાંધીએ ખાદી પર આટલો ભાર કેમ મૂક્યો? શા માટે તેમણે ફક્ત ખાદી પહેરી હતી? કારણ કે ખાદી ફક્ત એક કાપડ નથી, ખાદી ભારતના લોકોની અભિવ્યક્તિ છે. તમે ગમે એ રાજ્યમાં જાઓ, તમને વિવિધ કાપડ મળશે અને એ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. ધ્યાનમાં રાખવા જેવી બીજી વાત એ છે કે બધા દોરા સમાન છે અને એ તમને રક્ષણ આપવા, સુરક્ષિત રાખવા, ગરમ રાખવા માટે કાપડ તરીકે ભેગા થાય છે. ભારત પણ મત દ્વારા વણાયેલા ૧.૫ અબજ લોકોનું કાપડ છે. વોટ-ચોરીથી મોટું રાષ્ટ્રવિરોધી કૃત્ય કોઈ નથી, જે રાષ્ટ્રના તાણાવાણાને નુકસાન પહોંચાડે છે. ‘જ્યારે તમે વોટનો નાશ કરો છો ત્યારે તમે ભારતના વિચારનો નાશ કરો છો. જે લોકો સામેની બાજુએ છે તેઓ વોટ-ચોરી કરીને રાષ્ટ્રવિરોધી કૃત્ય કરી રહ્યા છે.’


