નિશ્ચિત સમયમર્યાદામાં ટ્રિબ્યુનલ ક્લિયરન્સ મેળવનારાને મતદાન કરવાનો અધિકાર મળી શકશે
સુપ્રીમ કોર્ટ
૨૧ એપ્રિલ સુધીમાં નામ ક્લિયર કરાવનારને પહેલા ચરણના મતદાનમાં અને ૨૭ એપ્રિલ સુધીમાં નામ ક્લિયર કરાવનારને બીજા તબક્કામાં મતદાન કરવા મળી શકે
પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કાનું મતદાન ૨૩ એપ્રિલે છે. સુપ્રીમ કોર્ટે આ રાજ્યના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)માં યાદીમાંથી જેમનાં નામ કપાઈ ગયાં છે તેમના મત આપવાના અધિકાર માટે મોટો નિર્ણય લીધો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જૉયમાલ્યા બાગચીની સંયુક્ત બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે ‘તમામ મતદાતાઓને વચગાળાની રાહત આપીને મતદાન કરવાનો અધિકાર આપવાનું સંભવ નથી. એમ છતાં સમયમર્યાદામાં જે મતદાતાઓની અપીલ ટ્રિબ્યુનલમાં ક્લિયર થઈ જાય છે તેમને મત આપવાનો અધિકાર આપી શકાય.’
ADVERTISEMENT
કોર્ટે નિર્દેશ કર્યો છે કે ટ્રિબ્યુનલ દ્વારા નામ ક્લિયર કરવામાં આવેલા મતદાતાઓને મત આપવાની અનુમતિ આપવામાં આવે. આ માટે ડેડલાઇન પણ નિર્ધારિત કરવામાં આવી છે. ટ્રિબ્યુનલ દ્વારા ૨૧ એપ્રિલ સુધીમાં નામ ક્લિયર કરાયું હોય એ મતદાતાઓને પહેલા તબક્કામાં મતદાનનો હક મળશે. જેમનું નામ ૨૭ એપ્રિલ સુધીમાં ટ્રિબ્યુનલ દ્વારા ક્લિયર થાય તેઓ બીજા તબક્કાના મતદાનમાં વોટ આપવાનો અધિકાર મેળવી શકશે.
આ નિર્ણય એ મતદાતાઓના હિતમાં લેવાયો છે જેમનાં નામ SIR પ્રક્રિયા દરમ્યાન યાદીમાંથી હટાવી લેવામાં આવ્યાં હતાં અને જેમણે ટ્રિબ્યુનલમાં અપીલ કરી છે. જોકે જેમની અપીલ ટ્રિબ્યુનલમાં નિર્ધારિત સમય પછી પણ પેન્ડિંગ રહેશે તેમને વિધાનસભાની ચૂંટણીમાં મત આપવા નહીં મળે.
