સોનિયા ગાંધીએ પ્રદર્શનમાં સામેલ થઈને કહ્યું હતું કે ‘નાનાં બાળકો અને મારા જેવા ઉંમરલાયક લોકો ઝેરી હવાથી ખૂબ પરેશાન છે.
વિપક્ષે સંસદના પરિસરમાં જોરદાર પ્રદર્શન કર્યું
દિલ્હી અને એની આસપાસના વિસ્તારોમાં બગડી રહેલી હવાની ગુણવત્તાને લઈને ગઈ કાલે વિપક્ષે સંસદના પરિસરમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. શિયાળુ સત્રના ચોથા દિવસે તમામ વિપક્ષી સંસદસભ્યોએ એકજૂટ થઈને દિલ્હીના પ્રદૂષણ માટે સરકારને ઘેરી હતી. કૉન્ગ્રેસના સંસદસભ્ય ઇમરાન મસૂદ તેમની સાથે ઑક્સિજનનું સિલિન્ડર લઈને આવ્યા હતા તો બીજા અનેક સંસદસભ્યો ઍરફિલ્ટર માસ્ક પહેરીને આવ્યા હતા. પરિસરમાં સંસદસભ્યો પ્રદૂષણવિરોધી પોસ્ટરો લઈને આવ્યા હતા જેમાં એકમાં લખ્યું હતું, ‘મૌસમ કા મઝા લીજિએ’.
કૉન્ગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રદર્શનમાં સામેલ થઈને કહ્યું હતું કે ‘નાનાં બાળકો અને મારા જેવા ઉંમરલાયક લોકો ઝેરી હવાથી ખૂબ પરેશાન છે.’ ગઈ કાલે પ્રદૂષણ વિશે વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના રાજ્યપ્રધાન કીર્તિ વર્ધન સિંહે રાજ્યસભામાં સ્વીકાર્યું હતું કે દિલ્હી-NCRમાં વાયુપ્રદૂષણ એક જટિલ સમસ્યા છે. સરકારે એ માટે કમિશન ફૉર ઍર ક્વૉલિટી મૅનેજમેન્ટ (CAQM)ની સ્થાપના કરી છે.


