શ્રીમદ્ ભગવદ્ગીતા અને નાટ્યશાસ્ત્રનો સમાવેશ થયો UNESCOના મેમરી ઑફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં
કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર શ્રીમદ્ ભગવદ્ગીતા અને નાટ્યશાસ્ત્રની હસ્તપ્રત પોસ્ટ કરીને ભારતની સિદ્ધિના સમાચાર શૅર કર્યા હતા.
ભારતની સાંસ્કૃતિક અને દાર્શનિક વિરાસતને વૈશ્વિક મંચ પર ખૂબ મોટી ઓળખ મળી છે. શ્રીમદ્ ભગવદ્ગીતા અને ભરતમુનિ દ્વારા લખાયેલા નાટ્યશાસ્ત્રને યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક ઍન્ડ કલ્ચરલ ઑર્ગેનાઇઝેશન (UNESCO)ના ‘મેમરી ઑફ ધ વર્લ્ડ રજિસ્ટર’માં સામેલ કરવામાં આવ્યાં છે. આ જાહેરાત સાથે જ ભારતની ૧૪ અમૂલ્ય કલાકૃતિઓ હવે આંતરરાષ્ટ્રીય યાદીનો ભાગ બની ચૂકી છે. શ્રીમદ્ ભગવદ્ગીતાને વિશ્વનો સૌથી પ્રભાવશાળી ધાર્મિક ગ્રંથ માનવામાં આવે છે. ૧૭ એપ્રિલે યુનેસ્કોએ એના મેમરી ઑફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ૭૪ નવા દસ્તાવેજી વારસા ઉમેર્યા હતા. આ સાથે એના સંગ્રહની કુલ સંખ્યા હવે ૫૭૦ પર પહોંચી ગઈ છે. ભારતના કુલ ૧૪ રેકૉર્ડ એમાં સામેલ છે.
સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એની માહિતી કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે આપતાં એને ભારતની સાંસ્કૃતિક ચેતના માટે ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. ગજેન્દ્ર સિંહ શેખાવતે લખ્યું હતું કે ‘શ્રીમદ્ ભગવદ્ગીતા અને નાટ્યશાસ્ત્ર માત્ર ગ્રંથ નથી; પરંતુ ભારતનો વિચાર, જીવનદૃષ્ટિ અને કલાત્મક અભિવ્યક્તિનો મૂળ સ્તંભ છે. આ ગ્રંથોએ ન માત્ર ભારતને દિશા આપી છે, પરંતુ વિશ્વને પણ આત્મા અને સૌંદર્યની નવી દૃષ્ટિ આપી છે.’
ADVERTISEMENT
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઉપલબ્ધિ પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘આ દરેક ભારતીય માટે ગર્વનો વિષય છે. ગીતા અને નાટ્યશાસ્ત્રને યુનેસ્કોના મેમરી ઑફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં સામેલ કરવું એ આપણા શાશ્વત જ્ઞાન અને સાંસ્કૃતિક વૈભવને મળેલી વૈશ્વિક માન્યતા છે. સદીઓથી આ ગ્રંથોએ માનવચેતના અને સભ્યતાને દિશા આપી છે અને આજે પણ એની શિક્ષા દુનિયાને પ્રેરણા આપે છે.’
શું છે મેમરી ઑફ ધ વર્લ્ડ રજિસ્ટર?
યુનેસ્કોના મેમરી ઑફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં વિશ્વભરમાંથી પસંદ કરાયેલા એવા વારસા સામેલ કરવામાં આવે છે જે માનવસભ્યતાના ઇતિહાસ, સંસ્કૃતિ અને જ્ઞાનને સંરક્ષિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. મેમરી ઑફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં વિશ્વ માટે ઉપયોગી અને વૈશ્વિક સ્તરે ડૉક્યુમેન્ટ્સને સામેલ કરવામાં આવે છે. ઇન્ટરનૅશનલ ઍડ્વાઇઝરી કમિટીની ભલામણ બાદ એને ડૉક્યુમેન્ટમાં સામેલ કરવા સ્થાન મળ્યું છે. આ ડૉક્યુમેન્ટની સાચવણી માટે સુરક્ષા પણ પ્રદાન કરે છે.
દુનિયાનો સૌથી પ્રાચીન ગ્રંથ
ભારત તરફથી આ અગાઉ ઋગ્વેદ, તવાંગ ધર્મગ્રંથ, સંત તુકારામની અભંગ રચનાઓથી જોડાયેલી ફાઇલો પણ આ યાદીમાં સામેલ થઈ ચૂકી છે. સાથે જ ઋગ્વેદ જે દુનિયાનો સૌથી પ્રાચીન ધાર્મિક ગ્રંથ માનવામાં આવે છે એ પહેલાંથી જ યુનેસ્કોની મેમરી ઑફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં સામેલ છે. એને ૨૦૦૭માં આ આંતરરાષ્ટ્રીય યાદીમાં જગ્યા મળી હતી. એ સમયે યુનેસ્કોએ માન્યતા આપતાં કહ્યું હતું કે ઋગ્વેદ ન માત્ર ધાર્મિક અને આધ્યાત્મિક ગ્રંથ છે; પરંતુ એ માનવસભ્યતાની શરૂઆત, વિચાર, ભાષા, દર્શન અને સાંસ્કૃતિક સંરચનાના અમૂલ્ય દસ્તાવેજ પણ છે.
ભરતમુનિનું નાટ્યશાસ્ત્ર શું છે?
ઉત્તરાખંડ યુનિવર્સિટીમાં ભણાવવામાં આવતા નાટ્યશાસ્ત્રના અભ્યાસક્રમ મુજબ નાટક શબ્દ નાટ શબ્દ પરથી આવ્યો છે. એનો અર્થ થાય છે પડવું, નૃત્ય કરવું. આ કલાનું શ્રેષ્ઠ સ્વરૂપ કવિતા છે અને સૌથી ઉત્તમ સ્વરૂપ નાટક છે. ભરતમુનિનું નાટ્યશાસ્ત્ર ભારતના સૌથી પ્રાચીન ગ્રંથોમાંનું એક છે. એ વિચારો અને વ્યાપક વિષયોની અખંડિતતાથી ભરપૂર છે. આ પુસ્તક ભારતીય નાટ્યકલાને સમજવામાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. નાટક ઉપરાંત આ મહાન પુસ્તક કવિતા, સંગીત, નૃત્ય, હસ્તકલા અને અન્ય કલાઓનો વિષયવાર ભંડાર છે.


