દેશમાં પહેલી જાન્યુઆરીએ જનરેશન બીટાનું પહેલું બાળક મિઝોરમમાં મધરાત બાદ ૧૨.૦૩ વાગ્યે જન્મ્યું
ફ્રૅન્કી રેમરુઆતડિકા ઝડેન્ગ
ભારતમાં જનરેશન બીટાનું પહેલું બાળક મિઝોરમના આઇઝોલ શહેરમાં જન્મ્યું હતું. તેનું નામ ફ્રૅન્કી રેમરુઆતડિકા ઝડેન્ગ રાખવામાં આવ્યું છે. આ બેબી બૉય આઇઝોલના બહારના વિસ્તાર ડર્ટલેન્ગની એક હૉસ્પિટલમાં પહેલી જાન્યુઆરીએ રાત્રે ૧૨.૦૩ વાગ્યે જન્મ્યું હતું. જન્મ વખતે તેનું વજન ૩.૧૨ કિલો હતું. આમ જનરેશન બીટાના પહેલા બાળકનો જન્મ થવાનો ઐતિહાસિક માઇલસ્ટોન મિઝોરમે સિદ્ધ કર્યો છે. હૉસ્પિટલની સિસ્ટરે કહ્યું હતું કે ફ્રૅન્કી તંદુરસ્ત અને મસ્ત છે અને તેને બીજાં કોઈ કૉમ્પ્લિકેશન્સ નથી.
‘જનરેશન બીટા’ શબ્દપ્રયોગ ભવિષ્યવાદી લેખક માર્ક મૅકક્રિન્ડલ દ્વારા ૨૦૨૫થી ૨૦૩૯ વચ્ચે જન્મ લેનારાં બાળકોનું વર્ણન કરવા માટે બનાવવામાં આવ્યો છે. તેમણે જનરેશન આલ્ફા બાદ જનરેશન બીટા એવા શબ્દપ્રયોગનો ઉલ્લેખ કર્યો છે.