જમ્મુ-કાશ્મીરના કુલગામમાં બુધવારે બપોરે આતંકવાદીઓએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના નાકા પર હુમલો કર્યો હતો.
કુલગામમાં ગઈ કાલે હુમલા પછી આતંકવાદીઓને શોધવા સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી.
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં બુધવારે બપોરે આતંકવાદીઓએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના નાકા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં CRPFના ત્રણ જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. સમગ્ર ઘટનાનું CCTV કૅમેરાનું ફુટેજ પણ સામે આવ્યું છે, જેમાં આતંકવાદીઓ તરફથી ૧૫ સેકન્ડમાં ૩૦ રાઉન્ડ ફાયરિંગ થતું જોવા મળે છે. હુમલા બાદ જવાનોએ પણ વળતો જવાબ આપતાં ફાયરિંગ કર્યું હતું.
સૈન્ય-અધિકારીઓના જણાવ્યા મુજબ મીર બઝાર નજીક અખરાન સ્થિત નાકા પર બાઇક પર આવેલા આતંકવાદીઓએ અચાનક ગોળીબાર શરૂ કરી દીધો હતો. પહેલાં ૧૫ સેકન્ડમાં ૩૦ ગોળીઓ ચલાવવામાં આવી હતી. એ પછીની એક મિનિટમાં વધુ ડઝનેક રાઉન્ડ ગોળીબારનો અવાજ સંભળાયો હતો અને કૅમેરા સામે છરા કે નાના પથ્થર ઊડતા દેખાયા હતા.
CRPFના નિવેદન પ્રમાણે આ ઘટના બપોરે લગભગ ૨.૧૫ વાગ્યે બની હતી. ઘાયલ જવાનોને સારવાર માટે અનંતનાગની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ઘટના વખતે જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા પણ કુલગામમાં જ હાજર હતા, જોકે તેઓ ઘટનાસ્થળથી દૂર હતા.
હુમલા બાદ આતંકવાદીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. તેમને પકડી પાડવા માટે સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ-ઑપરેશન હાથ ધર્યું છે. આ હુમલાની જવાબદારી હજી સુધી કોઈ આતંકી સંગઠને સ્વીકારી નથી, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે લશ્કર-એ-તૈયબાની હિટ સ્ક્વૉડ ગણાતા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ના આતંકી લતીફ બટના મૉડ્યુલે આ કાવતરું ઘડ્યું હતું.
