મંગળવારે અને બુધવારે ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી, આજે પણ લગાવશે
સુધા મૂર્તિએ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા ઉપરાંત ઇસ્કૉન દ્વારા ચાલતા ભંડારામાં મહાપ્રસાદ વિતરિત કરવાનો લહાવો પણ લીધો હતો.
ઇન્ફોસિસ ફાઉન્ડેશનનાં ચૅરપર્સન અને રાજ્યસભાનાં સદસ્ય સુધા મૂર્તિએ ગઈ કાલે બીજા દિવસે મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું અને આજે પણ તેઓ સ્નાન કરશે. તેમણે બડે હનુમાન અને અક્ષયવટની પણ મુલાકાત લીધી હતી. તેઓ મંગળવારે મહાકુંભમાં પહોંચ્યાં હતાં.
મહાકુંભમાં સ્નાન વિશે બોલતાં સુધા મૂર્તિએ કહ્યું હતું કે ‘મેં ત્રણ દિવસ સ્નાનની માનતા માની હતી. મને અહીં આવીને સારું લાગ્યું છે. મારાં નાના, નાની કે દાદા કોઈ અહીં આવી શક્યું નથી. આથી તેમનાં નામથી પણ તર્પણ કરવાનું મને યોગ્ય લાગ્યું. આમ કરવાથી મને અત્યંત પ્રસન્નતા મળી છે. આ તીર્થરાજ એકદમ પવિત્ર છે અને ૧૪૪ વર્ષ પછી મહાકુંભ આવ્યો છે. અહીં આવીને હું અત્યંત ઉત્સાહિત અને પ્રસન્નતાનો અનુભવ કરી રહી છું. યોગીજીના નેતૃત્વમાં મહાકુંભમાં સારી વ્યવસ્થા કરવામાં આવી છે.