હૈદરાબાદના આ ડૉક્ટરે AHDS નામના રૅર ડિસીઝની દોઢથી ૩ કરોડ રૂપિયાની દવાની કિંમત ૨.૫ લાખ સુધી લાવી દીધી
પીડિયાટ્રિશ્યન ડૉ. શિવરંજની સંતોષ
હૈદરાબાદનાં પીડિયાટ્રિશ્યન ડૉ. શિવરંજની સંતોષ અને ઍક્સેસ ટુ મેડિસિન્સ ઇન્ડિયાની પહેલથી ઍલન-હેરન્ડન-ડડ્લી સિન્ડ્રૉમ (AHDS)ની ટિરાટ્રિકૉલ નામની દવાનો વાર્ષિક ખર્ચ ધરખમ રીતે ઘટી ગયો છે. એટલું જ નહીં, ભારતના ૭ બાળદરદીઓને એક વર્ષ માટે ફ્રી સારવાર આપવાની પહેલ પણ કરવામાં આવી છે.
ટિરાટ્રિકૉલ એક એવી દવા છે જે AHDS નામની અત્યંત રૅર બીમારી માટે વપરાય છે. AHDSમાં થાઇરૉઇડ હૉર્મોન મગજ સુધી નથી પહોંચી શકતો એટલે બાળકોનો ઓવરઑલ શારીરિક અને માનસિક વિકાસ રૂંધાય છે. તેમને હરવા-ફરવા અને બોલવા માટે જરૂરી મસલ્સ પર નિયંત્રણ નથી હોતું. આવાં બાળકોને ટિરાટ્રિકૉલ દવા લાંબા ગાળા સુધી લેવી પડે છે અને એક વર્ષની દવાનો ખર્ચ લગભગ દોઢથી ૩ કરોડ રૂપિયા જેટલો થાય છે.
ADVERTISEMENT
ડૉ. શિવરંજની પાસે આ રૅર ડિસીઝથી પીડાતો આરવ નામનો બાળદરદી આવ્યો હતો. તેની એક મહિનાની દવાનો ખર્ચ ૧૩ લાખ રૂપિયા થતો હતો. આ દવા જર્મનીથી મગાવવી પડતી હતી. ગમેએટલા ખાધેપીધે સુખી પરિવારને પણ આટલો ખર્ચ પોસાય એમ ન જ હોય. ડૉ. શિવરંજનીએ આ દવાને સસ્તી કઈ રીતે કરી શકાય એ માટે દવાકંપનીઓને સંપર્ક કરવાનું શરૂ કર્યું. તેમણે સોશ્યલ મીડિયા પર આરવનો દાખલો લઈને વિશ્વભરની દવાકંપનીઓ અને સરકારી પ્રતિનિધિઓને ટૅગ કરીને મદદ માટે અપીલ કરી. એક પત્રકાર થકી તેમની અપીલ ઍક્સેસ ટુ મેડિસિન ઇન્ડિયા નામની સ્વૈચ્છિક સંસ્થા અને નેધરલૅન્ડ્સમાં આવેલા ફાર્માસ્યુટિકલ અકાઉન્ટેબિલિટી ફાઉન્ડેશન સુધી પહોંચી. આ સંસ્થાઓની મદદથી દવાની કસ્ટમ કમ્પાઉન્ડ કૉસ્ટ ઘટાડવા માટેના પ્રયત્નો થયા. નેધરલૅન્ડ્સની ટ્રાન્સવાલ ફાર્મસીના સહયોગથી કસ્ટમ કમ્પાઉન્ડ ડોઝ તૈયાર કરવામાં આવ્યો જેનો ખર્ચ લગભગ ૨.૫ લાખ રૂપિયા પ્રતિ વર્ષ જેટલો થાય છે.
સોશ્યલ મીડિયા પર આરવનો કેસ જોઈને ભારતમાંથી જ કુલ ૭ આવાં બાળદરદીઓની ઓળખ થઈ હતી. સોશ્યલ અવેરનેસને કારણે કેટલાક ડોનર્સ પણ સામેથી આવ્યા. ડૉ. શિવરંજનીએ ૬.૫ લાખ રૂપિયા અને નેધરલૅન્ડ્સના ફાઉન્ડેશને ૯.૫ લાખ રૂપિયાનું ભંડોળ એકત્ર કર્યું છે. એનાથી ભારતમાં ઓળખાયેલા AHDSના ૭ દરદીઓને એક વર્ષની દવા ફ્રીમાં આપવામાં આવશે.
લાંબા ગાળાનું સૉલ્યુશન શું?
ડૉ. શિવરંજની અને ઍક્સેસ ટુ મેડિસિન્સ ઇન્ડિયા ઇચ્છે છે કે આ માત્ર એક વારનું અને એક વર્ષ માટેનું સમાધાન ન રહી જાય. કેન્દ્ર સરકાર અને અન્ય સંગઠનો સાથે મળીને લાંબા ગાળાની યોજના બનાવવામાં આવે જેથી અફૉર્ડેબલ દવા લાંબા સમય સુધી મળતી રહે.
