દીકરીઓને કોઈ ભોળવી ન જાય એના માટે RSSના ચીફે આપી ત્રણ પગલાંની ફૉર્મ્યુલા
ભોપાલમાં આયોજિત ‘માતૃશક્તિ સંવાદ’ કાર્યક્રમમાં શનિવારે સાંજે સંબોધન કરી રહેલા મોહન ભાગવત.
મધ્ય પ્રદેશના ભોપાલમાં આયોજિત ‘માતૃશક્તિ સંવાદ’ કાર્યક્રમમાં શનિવારે સંબોધન કરતી વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના ચીફ મોહન ભાગવતે કહ્યું હતું કે ‘આપણે એ વિચારવું પડશે કે આપણી દીકરીઓને કોઈ અજાણી વ્યક્તિ કેવી રીતે ભોળવીને ફસાવી શકે છે. પરિવારજનો વચ્ચે પરસ્પર વધુ વાતચીત ન થતી હોય અને સંવાદનો અભાવ હોય ત્યારે આવી સમસ્યાઓ ઊભી થાય છે. જો પરિવારમાં નિયમિત એકબીજા સાથે વાતો થતી હોય અને સંવાદ સધાતો હોય તો લવ જેહાદને રોકી શકાય છે. આ સંવાદથી જ સંતાનોમાં ધર્મ, સંસ્કૃતિ અને પરંપરા માટે આદર વિકસે છે.’
મોહન ભાગવતે એવું પણ કહ્યું હતું કે ‘સામાજિક સંગઠનોએ લવ જેહાદ સામે સતર્ક રહેવું જોઈએ. આવી સમસ્યાનો ઉકેલ ત્યારે જ આવશે જ્યારે એની સામે સામૂહિક પ્રતિકાર ઊભો થાય.’
આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ અને આપણી સામાજિક વ્યવસ્થા મહિલાઓને કારણે જ સુરક્ષિત રહી શકે છે એવું જણાવીને મોહન ભાગવતે કહ્યું હતું કે ‘મહિલાઓ સુરક્ષાના કારણે ઘરમાં જ રહેતી હતી એ સમય હવે વીતી ગયો છે. આજે કુટુંબ અને સમાજને આગળ વધારવા માટે પુરુષ અને સ્ત્રી બન્ને સાથે મળીને કામ કરે છે. હવે તો મહિલાઓ સમાજના દરેક ક્ષેત્રમાં આગળ વધી છે.’
ADVERTISEMENT
લવ જેહાદ રોકવા માટે મોહન ભાગવતે કયાં ૩ પગલાં સૂચવ્યાં?
પરિવારમાં નિયમિત રીતે સંવાદ થાય, પરિવારજનો એકબીજા સાથે વાતચીત કરતા રહે.
દીકરીઓમાં સતર્કતા વધે અને તેઓ પોતે પણ આત્મરક્ષા માટે સજ્જ બને.
લવ જેહાદમાં પકડાતા ગુનેગારો સામે કડક અને અસરકારક કાર્યવાહી કરવામાં આવે.


