દશેરા નિમિત્તે ભુજમાં આયુધપૂજા કરીને રક્ષાપ્રધાને કહ્યું કે ૧૯૬૫માં ભારતીય સેનાએ લાહોર સુધી પહોંચવાની ક્ષમતા દર્શાવી હતી, આજે ૨૦૨૫માં પાડોશી દેશ યાદ રાખે કે કરાચીનો એક રસ્તો ખાડીમાંથી પસાર થાય છે
ભુજમાં ગઈ કાલે વિજયાદશમી નિમિત્તે ચીફ ઑફ આર્મી સ્ટાફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની હાજરીમાં શસ્ત્રપૂજા કરી રહેલા રક્ષાપ્રધાન રાજનાથ સિંહ.
ગુરુવારે રક્ષાપ્રધાન રાજનાથ સિંહે ભુજમાં વિજયાદશમીના અવસરે ચીફ ઑફ આર્મી સ્ટાફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની હાજરીમાં શસ્ત્રપૂજા કરી હતી. એ પ્રસંગે રાજનાથ સિંહે પાકિસ્તાન અવારનવાર સિર ક્રીક વિસ્તારમાં સરહદ પર વિવાદ ઊભો કરી રહ્યું છે એની વાત કરતાં કહ્યું હતું કે ‘સ્વતંત્રતાનાં ૭૮ વર્ષ પછી પણ સિર ક્રીક વિસ્તારમાં સરહદી વિવાદ ઊભો થાય છે. ભારતે વાતચીત દ્વારા એને ઉકેલવાના પ્રયાસો કર્યા છે, પરંતુ પાકિસ્તાનના ઇરાદાઓમાં જ ખોટ છે. પાકિસ્તાની સેનાએ સિર ક્રીકને અડીને આવેલા વિસ્તારોમાં લશ્કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જે રીતે વિસ્તાર કર્યો છે એ એમના ઇરાદાઓ છતા કરે છે.’
ભારતીય સેના અને બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ના જવાનો સાથે મળીને સતર્કતાથી સરહદોનું રક્ષણ કરી રહ્યાં છે એની સરાહના કરતાં રાજનાથ સિંહે પાકિસ્તાનને ચીમકી આપતાં કહ્યું હતું કે ‘જો પાકિસ્તાન તરફથી આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું છમકલું કરવાનો પ્રયાસ થશે તો એને એવો જડબાતોડ જવાબ મળશે કે ઇતિહાસ અને ભૂગોળ બન્ને બદલાઈ જશે. ૧૯૬૫ના યુદ્ધમાં ભારતીય સેનાએ લાહોર સુધી પહોંચી જવાની ક્ષમતા દર્શાવી હતી. આજે ૨૦૨૫માં પાકિસ્તાન એ યાદ રાખે કે કરાચી જવાનો એક રસ્તો ખાડીમાંથી પણ પસાર થાય છે.’
ADVERTISEMENT
સિર ક્રીક શું છે?
સિર ક્રીક ૯૬ કિલોમીટર લાંબી પાણીની પટ્ટી છે જે ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના સિંધ પ્રાંત વચ્ચે આવેલી છે. ભારત દાવો કરે છે કે સરહદ ખાડીની મધ્યમાં હોવી જોઈએ, જ્યારે પાકિસ્તાન દાવો કરે છે કે સરહદ પૂર્વી કાંઠે ભારતની નજીક હોવી જોઈએ. બન્ને દેશોની સ્વતંત્રતા પહેલાં આ પ્રદેશ બ્રિટિશ ભારતના બૉમ્બે પ્રેસિડન્સીનો ભાગ હતો. આ વિસ્તારમાં ‘સિરી’ માછલીની હાજરીને કારણે એને સિર ક્રીક નામ આપવામાં આવ્યું હતું. એના પાણીના પ્રવાહને મૂળરૂપે ‘બાન ગંગા’ કહેવામાં આવે છે. આ પ્રવાહ પાકિસ્તાનના સિંધ પ્રાંતને ભારતના ગુજરાતથી અલગ કરીને અરબી સમુદ્રમાં પડે છે. આ વિસ્તાર એશિયાનાં સૌથી મોટાં માછલી ઉત્પાદન ક્ષેત્રોમાંનો એક છે. એની મર્યાદા નક્કી ન કરવાને કારણે ઘણી વખત ભારતીય માછીમારો પાકિસ્તાનની સરહદે જાય છે, જ્યાં તેઓ પાકિસ્તાની નૌકાદળના જવાનો દ્વારા પકડાઈ જાય છે. ખાડી વિસ્તાર એક બિનઆવાસીય વિસ્તાર છે અને ત્યાંનું હવામાન પણ ખૂબ પ્રતિકૂળ છે. ત્યાં ઝેરી સાપ અને વીંછી જોવા મળે છે.


