આ ચુકાદા સાથે જ છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલી કાયદેસરની કાર્યવાહીનો અંત આવ્યો છે અને બન્ને કલાકારોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે.
શેખર સુમન અને ભારતી સિંહ
બૉમ્બે હાઈ કોર્ટે ૨૦૧૦ના હેટ-સ્પીચના એક કેસમાં શેખર સુમન અને કૉમેડિયન ભારતી સિંહને મોટી રાહત આપી છે. એક ટીવી-શો દરમ્યાન ‘યા અલ્લાહ’, ‘રસગુલ્લા’ ‘દહીભલ્લા’ જેવા શબ્દપ્રયોગ કરવા બદલ આ બન્ને કલાકારો સામે નોંધાયેલા ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR)ને હાઈ કોર્ટે રદ કરવાનો આદેશ આપ્યો છે. અદાલતે આ મામલે અવલોકન કરતાં સ્પષ્ટ કર્યું હતું કે માત્ર ખાદ્ય પદાર્થના નામનો ઉલ્લેખ કરવાથી કોઈ ધર્મનું અપમાન નથી થતું. આ કેસની વિગતો મુજબ ૨૦૧૦માં એક કૉમેડી શો દરમ્યાન કલાકારોએ કરેલી ટિપ્પણીથી ધાર્મિક લાગણી દુભાઈ હોવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે આ કેસની સુનાવણી દરમ્યાન હાઈ કોર્ટે ટાંક્યું હતું કે જે શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે એ સામાન્ય સામાજિક વ્યવહારમાં તટસ્થ છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે કોઈ કૉમિક ઍક્ટમાં માત્ર ખાદ્ય ચીજવસ્તુઓનાં નામ લેવાને ધર્મનું અપમાન ન ગણી શકાય. ન્યાયાધીશોએ ચુકાદામાં નોંધ્યું હતું કે કાયદાની કલમનો ઉપયોગ ત્યારે જ થઈ શકે જ્યારે કોઈનો ઇરાદો જાણીજોઈને ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો હોય. પ્રસ્તુત કિસ્સામાં આવા કોઈ પુરાવા કે ઇરાદો જણાતા નથી. આ ચુકાદા સાથે જ છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલી કાયદેસરની કાર્યવાહીનો અંત આવ્યો છે અને બન્ને કલાકારોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે.
