QR કોડથી મળ્યા ૯૩ લાખ રૂપિયા, રોકડ રકમનું દાન ગણવા ૩૦ જણ અને મશીનો કામે લાગ્યાં
હુમાયુ કબીર
તૃણમૂલ કૉન્ગ્રેસના હાંકી કાઢવામાં આવેલા વિધાનસભ્ય હુમાયુ કબીરે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં એક નવી બાબરી મસ્જિદના બાંધકામની શરૂઆત કરી છે અને આ મસ્જિદ બાંધવા માટે તેમને ક્વિક રિસ્પૉન્સ (QR) કોડથી ૯૩ લાખ રૂપિયાનું દાન મળ્યું છે. બીજી જે રોકડ રકમનું દાન મળ્યું છે એ ગણવા માટે ૩૦ લોકો અને મશીનો પણ કામે લાગ્યાં છે.
મુર્શિદાબાદમાં બાંધવામાં આવનારી મસ્જિદ અયોધ્યામાં તોડી પાડવામાં આવેલી બાબરી મસ્જિદના આધારે બનાવવામાં આવી રહી છે. ઘણા વિવાદો અને વિરોધ છતાં હુમાયુ દાવો કરે છે કે તેમને બધા મુસ્લિમોનો ટેકો છે અને તેઓ કહી રહ્યા છે કે બધા મુસ્લિમો મસ્જિદના નિર્માણને ટેકો આપવા માટે આગળ આવી રહ્યા છે.
ADVERTISEMENT
હુમાયુ કબીરે પોતાના ફેસબુક અકાઉન્ટ પર મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદ માટે દાન ગણતો એક વિડિયો પોસ્ટ કર્યો છે. કબીરે દાવો કર્યો હતો કે બાબરી મસ્જિદ માટે લાખો રૂપિયાનું દાન મળ્યું છે, કુલ ૧૧ બૉક્સ દાનમાં એકત્રિત કરવામાં આવ્યાં છે. બાબરી મસ્જિદ માટે લાખો રૂપિયાનું દાન મળ્યું છે એવો દાવો કરતાં તેમણે કહ્યું હતું કે ‘ઘણા લોકો કહી રહ્યા છે કે હું ભારતીય જનતા પાર્ટી (BJP) પાસેથી મળેલા ભંડોળથી મસ્જિદ બનાવી રહ્યો છું, પણ આ વિડિયો તેમને ખોટા સાબિત કરવા માટે છે. બાબરી મસ્જિદ દાનથી મળેલી રકમમાંથી બનાવવામાં આવશે. પૈસા ગણવા માટે ૩૦ લોકોને તહેનાત કરવામાં આવ્યા છે અને પૈસા ગણવા માટે મશીનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગણતરી CCTV દેખરેખ હેઠળ થઈ રહી છે.’


