છેલ્લા ઘણા સમયથી આ પૉપ્યુલર ટીવી-સિરિયલ બંધ થવાની જે વાતો ચાલતી હતી એને અફવા ગણાવીને શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ સ્પષ્ટતા કરી કે જ્યાં સુધી આૅડિયન્સ શો સાથે જોડાયેલું છે ત્યાં સુધી એ આમ જ ચાલતો રહેશે
અસિત કુમાર મોદી
છેલ્લા થોડા સમયથી સમયાંતરે વિવાદ સાથે જોડાતી રહેલી કૉમેડી ડેઇલી સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ બંધ કરવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે એવી વાત છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી, પણ શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ એ વાતો માત્ર અફવા છે એવું કહીને સ્પષ્ટતા કરી છે કે ‘આજે પણ ઑડિયન્સમાં શો લોકપ્રિય છે, ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP)માં એ ટોચ પર છે એટલે શો બંધ કરવાની વાત જ નથી આવતી. અમે પ્રયાસ કરીશું કે વધુ ને વધુ મનોરંજન ઑડિયન્સને આપીએ. જ્યાં સુધી ઑડિયન્સ શો સાથે જોડાયેલું છે ત્યાં સુધી શો આમ જ ચાલતો રહેશે.’
૨૦૦૮માં શરૂ થયેલો આ કૉમેડી શો છેલ્લાં ૧૭ વર્ષથી સતત ચાલી રહ્યો છે. શો સાથે જોડાયેલા અનેક કલાકારોએ શો છોડી દીધા પછી શોની લોકપ્રિયતાને કોઈ અસર નથી થઈ. એવા સમયે શો બંધ કરવામાં આવે એ શક્ય પણ નથી. શોની પ્રોડક્શન-ટીમ સાથે જોડાયેલી એક વ્યક્તિએ કહ્યું હતું કે ‘ટેક્નિકલી પણ આ શો ચૅનલ બંધ કરી શકે એમ નથી, કારણ કે શોના રાઇટ્સ એના પ્રોડ્યુસર અસિત કુમાર મોદી પાસે છે અને અસિત કુમાર મોદી આ શોના એકમાત્ર પ્રોડ્યુસર છે જેમણે સબ-ટીવીનો એકમાત્ર ખરીદ્યો છે. જ્યાં સુધી અસિત કુમાર મોદીની નીલા ટેલિફિલ્મ્સ સ્લૉટનું પેમેન્ટ કરે ત્યાં સુધી ચૅનલ એ શો બંધ ન કરી શકે.’
ADVERTISEMENT
અસિત કુમાર મોદીએ કહ્યું હતું કે શરૂઆતમાં જે મહેનત કરવામાં આવતી એ જ મહેનત આજે પણ અમારી ટીમ કરે છે જે TRPમાં દેખાય છે એટલે શોને ઑફ-ઍર કરવાની કોઈ વાત આવતી નથી.


