અમે સાંભળ્યું હતું કે લોકો દુ:ખ ઝડપથી ભૂલી જાય છે, પરંતુ માત્ર ત્રણ મહિનામાં બધું ભૂલીને પાકિસ્તાન સાથે ક્રિકેટ-મૅચ રમવા માટે સંમત થવું એ ખૂબ શરમજનક છે
શુભમ દ્વિવેદીની પત્ની ઐશન્યા દ્વિવેદી
એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મૅચ માટે ક્રિકેટ બોર્ડ સંમત થયું છે, પણ પહલગામ હુમલામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો આ મૅચ વિશે નારાજ છે. પહલગામ હુમલામાં આતંકવાદીઓની ગોળીનો પ્રથમ ભોગ બનેલા કાનપુરના શુભમ દ્વિવેદીની પત્ની ઐશન્યા દ્વિવેદીએ ભારત-પાક મૅચની મંજૂરી પર સવાલ ઉઠાવ્યા છે. તેણે મૅચનો બહિષ્કાર કરવાની હાકલ કરી છે.
આ મુદ્દે ઐશન્યા દ્વિવેદીએ એક વિડિયો જાહેર કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે અને સ્પષ્ટપણે કહ્યું છે કે ‘ભારત-પાકિસ્તાન વચ્ચેની મૅચને મંજૂરી મળી ગઈ એ જાણીને હું ખૂબ દુખી છું. શું આપણે આટલી ઝડપથી ભૂલી શકીએ કે આપણા ૨૬ લોકોએ ત્રણ મહિના પહેલાં જીવ ગુમાવ્યો હતો? અમે સાંભળ્યું હતું કે લોકો દુ:ખ ઝડપથી ભૂલી જાય છે, પરંતુ માત્ર ત્રણ મહિનામાં બધું ભૂલીને પાકિસ્તાન સાથે ક્રિકેટ મૅચ રમવા માટે સંમત થવું એ ખૂબ શરમજનક છે. આપણે એ દેશ સાથે મૅચ કેવી રીતે રમી શકીએ જ્યાંથી આતંકવાદીઓ આવે છે? અમે આ નિર્ણયનો વિરોધ કરીએ છીએ. અમે આ મૅચનો બહિષ્કાર કરીશું. એક તરફ ઑપરેશન સિંદૂર ચાલી રહ્યું છે અને બીજી તરફ મૅચ, બન્ને કેવી રીતે થઈ શકે? ભારતીયો તરીકે શું આપણને કોઈ દુઃખ નથી?’


