પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીનું વિવાદાસ્પદ વિધાન, આરોપ મૂક્યો કે નાસભાગમાં મૃત્યુ પામેલા સેંકડો લોકોના મૃતદેહોને છુપાવવામાં આવ્યા છે
મમતા બૅનરજી
મહાકુંભને ફાલતુ કહીને એની મજાક ઉડાવનારા રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ બાદ હવે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ પણ મહાકુંભને મૃત્યુકુંભ કહીને એની ટીકા કરી છે. ગયા અઠવાડિયે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ મહાકુંભમાં થયેલી નાસભાગ અને ૩૦૦ કિલોમીટર લાંબા ટ્રૅફિક જૅમની આકરી ટીકા કરી હતી.
ગઈ કાલે પશ્ચિમ બંગાળની વિધાનસભાને સંબોધતાં મમતા બૅનરજીએ દાવો કર્યો હતો કે ‘મહાકુંભ મૃત્યુકુંભ બની ગયો છે. મહાકુંભમાં થયેલી નાસભાગમાં મૃત્યુ પામેલા લોકોનો આંકડો છુપાવી દેવામાં આવ્યો છે. આ મૃત્યુકુંભ છે. હું મહાકુંભનો આદર કરું છું. હું મા ગંગાનો આદર કરું છું, પણ કોઈ જગ્યાએ પ્લાનિંગ કરવામાં આવ્યું નથી. કેટલા લોકોની ડેડ-બૉડી મળી આવી હતી? આ મહાકુંભ શ્રીમંતો માટે, VIP માટે છે. તેમના માટે લાખ રૂપિયાના ભાડાવાળા ટેન્ટ ઉપલબ્ધ છે, પણ ગરીબ લોકો માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. મોટી ઇવેન્ટમાં નાસભાગ જેવી ઘટનાઓ બની શકે છે, પણ તમે એ ન થાય એ માટે શું પ્લાનિંગ કર્યું?’
ADVERTISEMENT
ગયા મહિને નાસભાગમાં ૩૦ લોકોનાં અને ગયા અઠવાડિયે નવી દિલ્હી રેલવે-સ્ટેશન પર થયેલી નાસભાગમાં ૧૮ લોકોનાં મૃત્યુ થયાં હોવાનું સરકારે જણાવ્યું છે.
મમતા બૅનરજીએ વિધાનસભામાં બોલતાં દાવો કર્યો હતો કે ‘ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકારે મહાકુંભમાં મોતની સંખ્યા ઓછી દર્શાવવા માટે સેંકડો મૃતદેહોને છુપાવી દીધા હતા. BJPના વિધાનસભ્યો મારો સામનો કરતાં ડરે છે તેથી જ્યારે હું બોલું છું ત્યારે સભાત્યાગ કરે છે.’

