ડૂબકી મારનારાઓનો આંકડો ૬૫ કરોડને પાર થઈ ગયો, આજે પોતાની નજીકના ઘાટ પર જ સ્નાન કરવાની ભક્તોને સૂચના
મહાશિવરાત્રિની પૂર્વસંધ્યાએ ગઈ કાલે પ્રયાગરાજમાં વાહનો ઊમટી પડ્યાં હોવાથી ભારે ટ્રૅફિક જૅમ સર્જાયો હતો અને બીજી તરફ સંગમતટ પર પણ ડૂબકી લગાવનારા ભક્તોનું ઘોડાપૂર આવ્યું હતું.
૧૩ જાન્યુઆરીથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના પવિત્ર ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતી નદીના પવિત્ર ત્રિવેણી સંગમ પર શરૂ થયેલા મહાકુંભનો આજે છેલ્લો દિવસ છે અને ગઈ કાલે સાંજ સુધીમાં સંગમમાં ડૂબકી લગાવનારા ભાવિકોનો આંકડો ૬૫ કરોડ લોકોને પાર પહોંચી ગયો છે.
નો વેહિકલ ઝોન
ADVERTISEMENT
આજે છેલ્લા દિવસે પ્રયાગરાજમાં ભારે ભીડ હોવાથી પ્રશાસને મહાકુંભ ક્ષેત્રમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે અને ભાવિકો જે તરફથી આવે ત્યાં નજીકના ઘાટ પર સ્નાન કરવાની વિનંતી કરવામાં આવી છે. ગઈ કાલથી જે નો વેહિકલ ઝોન લાગુ કરવામાં આવ્યો છે એ પર્વની સમાપ્તિ સુધી લાગુ રહેશે. માત્ર મેળા-પ્રશાસનનાં વાહનોને જ એન્ટ્રી આપવામાં આવશે. પ્રયાગરાજ આવતાં વાહનોને પ્રયાગરાજના ૧૦ કિલોમીટર પહેલાં જ રોકી દેવામાં આવ્યાં છે.
૬૫ કરોડનો આંકડો પાર
ગઈ કાલે મહાકુંભમાં જબરદસ્ત ભીડ જોવા મળી હતી અને સાંજે ૬ વાગ્યા સુધીમાં ૧.૨૪ કરોડ ભાવિકોએ સ્નાન કર્યું હતું. ૧૩ જાન્યુઆરીથી ગઈ કાલ સુધીના ૪૪ દિવસમાં ૬૫ કરોડ ભાવિકોએ આસ્થાની ડૂબકી લગાવી છે.
નજીકના ઘાટ પર કરો સ્નાન
મહાકુંભ પ્રશાસને આવનારા ભાવિકોને વિનંતી કરી છે કે તેઓ જે સાઇડથી આવે ત્યાં જે ઘાટ પડતો હોય ત્યાં જ સ્નાન કરવું જોઈએ. દક્ષિણ ઝૂંસીથી આવનારા ભાવિકોએ સંગમ અને ઐરાવત ઘાટ, ઉત્તર ઝૂંસીથી આવનારા ભાવિકોએ હરિશ્ચંદ્ર ઘાટ અને સંગમ ઓલ્ડ ઘાટ પર સ્નાન કરવાનું રહેશે. પરેડ ગ્રાઉન્ડથી આવનારા ભાવિકોએ સંગમ દ્વાર, ભારદ્વાજ ઘાટ, નાગવાસુકિ ઘાટ, મોરી ઘાટ, કાલી ઘાટ, રામ ઘાટ અને હનુમાન ઘાટ પર સ્નાન કરવાનું રહેશે. અરૈલ વિસ્તારથી આવનારા ભાવિકોએ સીધા અરૈલ ઘાટ પર જ સ્નાન કરવાનું રહેશે.
ઈશા અંબાણી પહોંચ્યાં મહાકુંભ
રિલાયન્સ રીટેલ વેન્ચર્સ લિમિટેડનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા અંબાણી ગઈ કાલે પતિ આનંદ પિરામલ સાથે મહાકુંભમાં પહોંચ્યાં હતાં અને તેમણે પવિત્ર સંગમમાં સ્નાન કર્યું હતું.
મક્કામાં એક વર્ષમાં ૧.૪૦ કરોડ, અહીં રોજ એટલા ભાવિકો આવે છેઃ યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગઈ કાલે વિધાન પરિષદમાં વિપક્ષે ગંગાજળ પર ઉઠાવેલા સવાલના જવાબ આપતાં કહ્યું હતું કે વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે ગંગાનું પાણી આલ્કલાઇન વૉટરથી પણ શુદ્ધ છે; અમારી સરકાર બાળકોના અભ્યાસને લઈને પણ ગંભીર છે, અમે મુલ્લા-મૌલવી નહીં, વૈજ્ઞાનિક બનાવીએ છીએ.
સાઉદી અરેબિયાના મક્કા અને વૅટિકન સિટી પહોંચતા ભાવિકોની તુલના પ્રયાગરાજ, કાશી અને અયોધ્યા સાથે કરતાં યોગી આદિત્યનાથે કહ્યું હતું કે વૅટિકન સિટીમાં આખા વર્ષમાં બે કરોડ લોકો પહોંચે છે, મક્કામાં ૧.૪૦ કરોડ લોકો પહોંચે છે; પણ પ્રયાગરાજમાં એટલા લોકો એક જ દિવસમાં આવે છે.
છત્તીસગઢમાં કેદીઓએ સંગમના પાણીથી પવિત્ર સ્નાન કર્યું
ગઈ કાલે છત્તીસગઢના બસ્તર જિલ્લાના જગદલપુરમાં આવેલા સેન્ટ્રલ જેલના કેદીઓએ ત્રિવેણી સંગમના જળથી ભરેલા કુંડમાંથી સ્નાન કર્યું હતું.
એક અનોખી પહેલમાં ગઈ કાલે છત્તીસગઢમાં રાજ્યમાં આવેલી જેલના કેદીઓને જેલ-પરિસરમાં પ્રયાગરાજના પવિત્ર ત્રિવેણી સંગમના પાણીથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશ સરકારે સ્થાપિત કરેલા ઉદાહરણના પગલે છત્તીસગઢની પાંચ સેન્ટ્રલ જેલો, ૨૦ જિલ્લા-જેલ અને આઠ સબ-જેલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ કેદીઓને પવિત્ર ગંગામાં સ્નાન કરવાની આદરણીય પરંપરામાં ભાગ લેવાની તક આપીને માનસિક અને આધ્યાત્મિક સુખાકારીને પ્રોત્સાહન આપવાનો હતો.

