૨૦૦૮ની આ ઘટનામાં હાઈ કોર્ટે પુરાવાના અભાવે છોડી મૂક્યા હતા : સ્પેશ્યલ કોર્ટે સજા સંભળાવ્યા પછી અદાલતમાંથી હસતાં-હસતાં બહાર નીકળ્યા નરાધમો
ગઈ કાલે કોર્ટે સજા સંભળાવી એ પછી ચારેય આરોપીઓને કસ્ટડીમાં લઈ જવામાં આવ્યા હતા.
૨૦૦૮ના જયપુર સિરિયલ બૉમ્બબ્લાસ્ટ કેસ સાથે જોડાયેલા એક કેસમાં સ્પેશ્યલ કોર્ટે ચાર આતંકવાદીઓને ગઈ કાલે આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટે ૬૦૦ પાનાંમાં પોતાનો ચુકાદો આપ્યો હતો. જયપુરમાં થયેલા બૉમ્બબ્લાસ્ટમાં ૭૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૧૮૫થી વધુ લોકો ઘાયલ થયા હતા.
શું હતી ઘટના?
આજથી લગભગ ૧૭ વર્ષ પહેલાં ૨૦૦૮ની ૧૩ મેએ રાજસ્થાનની રાજધાની જયપુરમાં ૧૫ મિનિટમાં એક બાદ એક ૮ બૉમ્બબ્લાસ્ટ થયા હતા. એમાં ચાંદપોલ હનુમાન મંદિર પાસે નવમો જીવતો બૉમ્બ મળ્યો હતો જેને બાદમાં ડિફ્યુઝ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ચાર આરોપીઓમાંથી એકને બાદ કરીને ત્રણને જયપુર બૉમ્બબ્લાસ્ટ સંબંધિત અન્ય આઠ કેસમાં ફાંસીની સજા આપવામાં આવી હતી, પરંતુ માર્ચ ૨૦૨૩માં પુરાવાના અભાવે રાજસ્થાન હાઈ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. સરકારે સુપ્રીમ કોર્ટમાં હાઈ કોર્ટના આદેશને પડકારતી અરજી કરી હતી જે મામલે હવે ન્યાયાધીશે ૪ એપ્રિલે તમામ આરોપીઓને દોષી સાબિત કર્યા હતા. ત્યાર બાદ ગઈ કાલે ચારેયને આજીવન કેદની સજા સંભળાવી હતી. ચોંકાવનારી વાત એ છે કે સજા સંભળાવ્યા બાદ તમામ આરોપીઓ હસતાં-હસતાં કોર્ટની બહાર નીકળ્યા હતા. તેમના ચહેરા પર કોઈ અફસોસ સુધ્ધાં જોવા નહોતો મળ્યો.

