હુબલીમાં ૬૦૦ મહેમાનો ભેગા થઈ ગયા હતા, પણ ઇન્ડિગો ઍરલાઇન્સની ફ્લાઇટ રદ થઈ એટલે નવદંપતી ભુવનેશ્વરથી પહોંચી જ ન શક્યું
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ઇન્ડિગો ઍરલાઇન્સની ફ્લાઇટો રદ થવાને કારણે બૅન્ગલોરનાં સૉફ્ટવેર એન્જિનિયર્સ મેધા ક્ષીરસાગર અને સંગમ દાસ પોતાના જ રિસેપ્શનમાં હાજરી આપી શક્યાં નહોતાં અને તેમને ઑનલાઇન હાજરી આપવાનો વારો આવ્યો હતો. આ ઘટના કર્ણાટકના હુબલીમાં બની હતી.
ભુવનેશ્વરમાં લગ્ન, હુબલીમાં રિસેપ્શન
ADVERTISEMENT
બૅન્ગલોરમાં કામ કરતાં સૉફ્ટવેર એન્જિનિયર્સ હુબલીની મેધા ક્ષીરસાગર અને ભુવનેશ્વરના સંગમ દાસનાં લગ્ન ૨૩ નવેમ્બરે ભુવનેશ્વરમાં થયાં હતાં. ત્યાર બાદ પરિવારે મેધાના વતન હુબલીમાં રિસેપ્શન યોજવાનું નક્કી કર્યું હતું. તારીખ પહેલેથી જ નક્કી થઈ ગઈ હતી અને બધી તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી. આ દંપતી બીજી ડિસેમ્બરે ભુવનેશ્વરથી બૅન્ગલોર અને પછી હુબલી જવાનું હતું. ઘણા સંબંધીઓએ પણ વિવિધ શહેરોથી ફ્લાઇટ બુક કરાવી હતી.
ફ્લાઇટ રદ થઈ
બીજી ડિસેમ્બરે સવારે મુશ્કેલી શરૂ થઈ હતી. આ દંપતીએ ભુવનેશ્વરથી હુબલી જવા માટે ઇન્ડિગોની સવારે ૯ વાગ્યાની ફ્લાઇટ બુક કરાવી હતી. પહેલાં આ ફ્લાઇટ મોડી પડી અને પછી દર થોડા કલાકે રીશેડ્યુલ કરવામાં આવી. ૩ ડિસેમ્બરે સવારે ઇન્ડિગોએ ફ્લાઇટ રદ કરી દીધી એટલે મેધા અને સંગમ ભુવનેશ્વરમાં ફસાઈ ગયાં હતાં.
૬૦૦ મહેમાનો હાજર
બીજી તરફ હુબલીમાં રિસેપ્શનમાં લગભગ ૬૦૦ મહેમાનો એકઠા થયા હતા. બધાને લાગ્યું કે દંપતી ટૂંક સમયમાં પહોંચશે, પરંતુ જ્યારે તેમને ખબર પડી કે ફ્લાઇટ રદ કરવામાં આવી છે ત્યારે કન્યાનાં માતા-પિતાએ જાહેરાત કરી કે દંપતી ભુવનેશ્વરમાં છે અને રિસેપ્શન ઑનલાઇન શરૂ થશે. દંપતીએ લાઇવ વિડિયો-કૉલ દ્વારા પોતાના રિસેપ્શનમાં હાજરી આપી હતી. મેધા અને સંગમ ભુવનેશ્વરમાં તેમનાં લગ્નના પોશાકમાં બેઠાં હતાં અને બન્ને મોબાઇલ ફોન અને લૅપટૉપ દ્વારા સ્ક્રીન પર દેખાયાં હતાં. મહેમાનોએ સ્ક્રીનની સામે ઊભા રહીને તેમને આશીર્વાદ આપ્યા હતા.


