ભારતમાં કાંદાનો પૂરતો સ્ટૉક હોવાની સાથે નવો પાક પણ આવવાથી ખેડૂતોને યોગ્ય ભાવ મળે એ માટે સરકારે નિર્ણય લીધો
કેન્દ્ર સરકારે કાંદાની નિકાસ પરનો ૨૦ ટકા ટૅક્સ પાછો ખેંચ્યો
કેન્દ્ર સરકારે કાંદાની નિકાસ કરવા પર લાદેલો ૨૦ ટકા ટૅક્સ પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. સરકારે ગઈ કાલે આ સંબંધી નોટિફિકેશન જાહેર કર્યું હતું, જેમાં આ નિર્ણય પહેલી એપ્રિલથી અમલમાં આવશે એવું જણાવ્યું હતું. વધુ પ્રમાણમાં કાંદાની નિકાસ ન થાય અને ઘરઆંગણે કાંદા પૂરતી માત્રામાં ઉપલબ્ધ રહે એ માટે કેન્દ્ર સરકારે ગયા વર્ષે ૧૩ સપ્ટેમ્બરથી કાંદાની નિકાસ પર ૨૦ ટકા ટૅક્સ નાખ્યો હતો. પાંચ મહિનામાં કાંદાની ઉપલબ્ધતા ચકાસવામાં આવી હતી, જેમાં ભારતમાં કાંદાનો સ્ટૉક હોવાનું જણાતાં નિકાસ પરનો ૨૦ ટકા ટૅક્સ પાછો ખેંચવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે કાંદાની નિકાસ પર ટૅક્સ નાખવામાં આવ્યો હોવા છતાં નિકાસમાં વધારો થયો છે. ૨૦૨૩-’૨૪માં ૧૭.૧૭ લાખ ટન તો ૨૦૨૪-’૨૫ (૧૮ માર્ચ સુધી)માં ૧૧.૬૫ લાખ ટન કાંદાની નિકાસ કરવામાં આવી હતી. ૨૦૨૪માં સપ્ટેમ્બર મહિનામાં ૦.૭૨ લાખ ટન કાંદાની નિકાસ સામે જાન્યુઆરી ૨૦૨૫માં ૧.૮૫ લાખ ટન કાંદા દેશની બહાર મોકલવામાં આવ્યા હોવાનું જણાઈ આવ્યું હતું.



