માર્કેટના નિયમોનું ઉલ્લંઘન કરીને ગુનાહિત કાવતરું ઘડવાનો તેમ જ છેતરપિંડી કરવાનો તેમના પર SFIOએ આરોપ મૂક્યો હતો
ગૌતમ અદાણી
માર્કેટના નિયમોનું ઉલ્લંઘન કરીને ગુનાહિત કાવતરું ઘડવાનો તેમ જ છેતરપિંડી કરવાનો તેમના પર SFIOએ આરોપ મૂક્યો હતો: આ કેસમાં મૅજિસ્ટ્રેટ કોર્ટે અદાણી બંધુઓને દોષમુક્ત જાહેર કર્યા બાદ સેશન્સ કોર્ટે કેસ રીઓપન કરવાનો આદેશ આપ્યો હતો, પણ ગઈ કાલે હાઈ કોર્ટે સેશન્સ કોર્ટના આદેશને રદ કરવાનો ઑર્ડર આપ્યો હતો
દેશના ટોચના ઇન્ડસ્ટ્રિયલિસ્ટ અને અદાણી ગ્રુપના ચૅરમૅન ગૌતમ અદાણી અને તેમના ભાઈ તેમ જ અદાણી ગ્રુપના મૅનેજિંગ ડિરેક્ટર રાજેશ અદાણી સહિત ૧૨ જણ સામે છેલ્લાં ૧૩ વર્ષથી ચાલી રહેલા કેસમાં ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટે રાહત આપી હતી. અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ (AEL) પર ૩૮૮ કરોડ રૂપિયાના માર્કેટના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ સિરિયસ ફ્રૉડ ઇન્વેસ્ટિગેશન ઑફિસ (SFIO)એ લગાવ્યો હતો. SFIOનું કામ કંપનીઝ ઍક્ટ, ૨૦૧૩ હેઠળ કૉર્પોરેટ ફ્રૉડની તપાસ કરવાનું છે.
ADVERTISEMENT
આ કેસની શરૂઆત ૨૦૧૨માં થઈ હતી. એ વખતે SFIOએ AEL અને એના પ્રમોટર્સ પર માર્કેટના નિયમોનું ઉલ્લંઘન કરીને ગુનાહિત કાવતરું ઘડવાનો તેમ જ છેતરપિંડી કરવાનો આરોપ મૂક્યો હતો. જોકે મુંબઈની મૅજિસ્ટ્રેટ કોર્ટે ૨૦૧૪માં પૂરતા પુરાવા ન હોવાનું કહીને AEL અને એના પ્રમોટર્સને દોષમુક્ત જાહેર કર્યા હતા, પણ આ આદેશને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. AEL અને એના પ્રમોટર્સ સામે જે આરોપ મૂકવામાં આવ્યા છે એની તપાસ કરવાની જરૂર હોવાનું કહીને સેશન્સ કોર્ટે આ કેસ ફરી ઓપન કરવાનો આદેશ આપ્યો હતો.
આની સામે ૨૦૧૯માં ગૌતમ અને રાજેશ અદાણી બૉમ્બે હાઈ કોર્ટમાં ગયા હતા અને તેમણે સેશન્સ કોર્ટના આદેશને રદબાતલ કરવાની અરજી કરી હતી. ગઈ કાલે હાઈ કોર્ટે આ બાબતનો ચુકાદો આપતાં સેશન્સ કોર્ટના આદેશને રદ કરીને AEL અને એના પ્રમોટર્સને બહુ જ મોટી રાહત આપી હતી.

